ઓનલાઈન ગેમિંગને લીધે દેવામાં ફસાયો, હેવાન દીકરાએ માતાને ગળે ટૂંપો આપ્યો, હચમચાવી મૂકશે કિસ્સો
- પિતા રોશન સિંહે હિમાંશુ સામે હત્યાનો કેસ દાખલ કરાવ્યો
- હિમાંશુને ઓનલાઈન ગેમ રમવાની આદત હતી, આ ગેમમાં તેણે 4 લાખ રૂપિયા ગુમાવ્યા હતા
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર
Mother Murder For Insurance Claim Inside Story: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી વીમાના 50 લાકની લાલચમાં કળિયુગી દીકરા દ્વારા પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દેવાનો હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમિંગને લીધે દેવામાં ફસાયેલા દીકરાએ વીમાના 50 લાખ રૂપિયા મેળવવા માટે માતાને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી. માતાની હત્યા બાદ તે પિતાની પણ હત્યા કરી નાખવા માંગતો હતો કારણ કે, બંનને 25-25 લાખનો વીમો હતો. પરંતુ બીજી હત્યા કરવાની તે હિંમત ન કરી શક્યો. આ કળિયુગી દીકરાએ માતાની હત્યા કરી તેની લાશને યમુના નદીમાં ફેંકી દીધી.
અધિક પોલીસ અધિક્ષક વિજય શંકર મિશ્રાએ આ મામલે ખુલાસો કરતા જણાવ્યું કે, મૃતિકા પ્રભા સિંહ (49)ની તેના પોતાના જ દીકરા હિમાંશુએ હત્યા કરી નાખી છે. હિમાંશુના પિતા રોશન સિંહે હિમાંશુ સામે હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે. આ ઘટના અંગે હિમાંશુએ પોલીસ પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા છે.
4 લાખનું દેવુ ચૂકવવા માટે હત્યા
પોલીસ અધિકારી વિજય શંકરે જણાવ્યું કે, હિમાંશુને ઓનલાઈન ગેમ રમવાની આદત હતી. આ ગેમમાં તેણે 4 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તેણે ગેમમાં પૈસા લગાવવા માટે લોન લીધી હતી જે ચુકવવાનું તેના પર દબાણ હતું. તેને ક્યાંયથી પૈસા ન મળતાં તેણે તેની માતા પ્રભાને વીમા પોલિસી તોડવા માટે કહ્યું પરંતુ તે રાજી ન થયા તેથી હિમાંશુ ગુસ્સે ભરાયો અને તેણે તેની માતાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. હિમાંશુ તેના માતા-પિતા સાથે રહેતો હતો. તેમના મોટા ભાઈ અંકુર સિંહને તાઉ લાલ સિંહે દત્તક લીધો હતો.
કેવી રીતે હત્યાકાંડનો થયો ખુલાસો?
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો રોશન સિંહે કર્યો હતો. ધાતા પોલીસ સ્ટેશન વિસ્તારના અધૌલીના રહેવાસી રોશન સિંહ પટેલ 20 જાન્યુઆરીના રોજ ચિત્રકૂટના રાજાપુર હનુમાન મંદિરમાં દર્શન કરવા ગયા હતા. જ્યારે તેઓ મંદિરેથી પરત ફર્યા ત્યારે તેમની પત્ની પ્રભા તેમને ઘરે ન મળી. જ્યારે હિમાંશુને પૂછ્યું તો તેણે કહ્યું કે તે તેના પિયર ગઈ છે, નાનાની તબિયત ખરાબ છે. ત્યારબાદ રોશન સિંહે મોડી રાત્રે હિમાંશુના ખાટલા પાસે લોખંડનો સળિયો અને તિક્ષ્ણ હથિયાર જોયું. જ્યારે તે હિમાંશુ પાસે આનું કારણ પૂછવા ગયો તો તેના તેવર જોઈને તે ડરી ગયો અને તેઓ વોશરૂમ જવાના બહાને હિમાંશુના રૂમમાંથી બહાર નીકળી ગયા.
પૂજા ઘરમાં બંધ થઈને બચાવ્યો જીવ
રોશન સિંહ ડરના મર્યો ઘરની બહાર જવા લાગ્યો ત્યારે તેમની નજર પ્રભાના ચપ્પલ પર પડી. અનહોનીની આશંકાથી તેમણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને પૂજા ઘરમાં ઘૂસી જઈને દરવાજો બંધ કરી દીધો. સવારે જ્યારે તેમણે પિતરાઈ ભાઈ જયસિંહના ઘરનો દરવાજો ખુલ્લો જોયો ત્યારે તે હિમાંશુની નજરથી બચીને તેમના ઘરમાં ઘૂસી ગયો અને આખી ઘટના સંભળાવી. જ્યારે જયસિંહે સુનારી ગામમાં પ્રભાના પિયરમાં ફોન કર્યો ત્યારે તેને ખબર પડી કે તે ત્યાં નથી આવી. જ્યારે રોશન સિંહ ગ્રામજનો સાથે ઘરે પહોંચ્યો તો હિમાંશુ તેમને જોઈને ભાગી ગયો. આ પછી ગામલોકોએ પ્રભાની તલાશ શરૂ કરી.
હિમાંશુએ ઘરેણા ચોરી કરીને વેચી દીધા હતા
પ્રભાની તલાશ કરતી વખતે તેની લાશ યમુના નદીના કિનારે એક ટેકરા પાસે પડેલી મળી આવી હતી. રોશનસિંહે પોલીસને બોલાવી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. રોશને હિમાંશુ સામેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જુગાર રમે છે. તેને ઓનલાઈન ગેમ રમવાની આદત છે. તેણે ઘણા લોકો અને બેંકો પાસેથી લોન લઈ રાખી છે. જુગાર રમવા માટે તેણે ઘરમાંથી રૂ.15 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી વેચી દીધા હતા. આ કરવા બદલ રોશને હિમાંશુને થપ્પડ માર્યો હતો. પ્રભાએ પણ તેને ખૂબ ઠપકો આપ્યો હતો.
પાછળથી ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી
આ મામલે હિમાંશુએ પોલીસને જણાવ્યું કે ,તેણે તેના માતા-પિતા બંનેનો 25-25 લાખ રૂપિયાનો વીમો કરાવ્યો હતો અને તેને હડપી લેવા માટે તેણે સ્ટ્રો શેડમાં જ્યારે તેમની માતા પ્રભા ઘાસચારો કાપી રહી હતી ત્યારે તેણે તેની માતાને પાછળથી ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી. ત્યારબાદ તે માતાના મૃતદેહને ટ્રેક્ટર-ટ્રોલીમાં નાખીને ઐરઈ ગામમાં યમુના નદી પર પહોંચ્યો અને ટેકરા પાસે લાશને ફેંકી દીધી હતી. આ કળિયુગી દિકરો તેના પિતાની પણ હત્યા કરી નાખે તે પહેલાં પિતા તેના ઈરાદાને સમજી ગયા અને ભાગી ગયા હતા. પિતાના કારણે જ તેનો ખેલ બગડ્યો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.