ISROના ચંદ્રયાન-3ને ચંદ્ર પર એક વર્ષ પૂરું થયું, જાણો હવે કેવા હાલમાં છે 'વિક્રમ' અને 'પ્રજ્ઞાન'

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
ISROના ચંદ્રયાન-3ને ચંદ્ર પર એક વર્ષ પૂરું થયું, જાણો હવે કેવા હાલમાં છે 'વિક્રમ' અને 'પ્રજ્ઞાન' 1 - image


Chandrayaan-3 Landing Anniversary: બરાબર એક વર્ષ પહેલાં ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઇતિહાસ રચી દીધો હતો. એ સાથે જ ભારત ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના ચુનંદા દેશોની યાદીમાં સામેલ થઈ ગયો છે. અમેરિકા, રશિયા અને ચીન પછી આવું પરાક્રમ કરનાર ભારત ચોથો દેશ બન્યો હતો. 

‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી 

ચંદ્રયાન-3ના સફળ ઉતરાણને દેશ હવે દર વર્ષે ‘નેશનલ સ્પેસ ડે’ (રાષ્ટ્રીય અવકાશ દિવસ) તરીકે ઉજવશે. 23મી ઑગસ્ટના રોજ આ ઉજવણી થશે. એ કાર્યક્રમ નવી દિલ્હીના ભારત મંડપ પ્લેનરી હોલમાં યોજાશે, જેની થીમ 'ટચિંગ લાઇવ્સ બાય ટચિંગ ધ મૂનઃ ઇન્ડિયાઝ સ્પેસ સ્ટોરી' હશે. 

ચંદ્રયાન-3નું લોન્ચિંગ 

ચંદ્રયાન-3એ ચંદ્રયાન-2નું ફોલો-ઓન મિશન હતું. તકનીકી સમસ્યાઓના કારણે ચંદ્રયાન-2 મિશન સફળ નહોતું રહ્યું. ચંદ્રયાન-3માં લેન્ડર (વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન)નો સમાવેશ થાય છે. યાનને શ્રીહરિકોટાથી 14મી જુલાઈ 2023 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશનનો હેતુ આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી ટૅક્નોલૉજી વિકસાવવાનો છે.

આ પણ વાંચો: ભારતનું અંતરિક્ષ સ્ટેશન કેવું હશે? જ્યાં રહી શકશે 6 એસ્ટ્રોનોટ્સ, ISROએ શેર કર્યો VIDEO

શું કર્યું ચંદ્રયાને ચંદ્ર પર?

ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરીને ચંદ્રયાને વિશ્વભરમાં ભારતના નામનો ડંકો વગાડી દીધો હતો. ચંદ્રયાન-3ને ચંદ્ર પર માત્ર એક દિવસ પસાર કરવા માટે બનાવવામાં આવ્યું હતું. જો કે,ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર હોય છે.

લેન્ડિંગ કર્યા પછી માત્ર એક જ દિવસમાં પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર 103 મીટરનું અંતર કાપ્યું હતું. એક અઠવાડિયામાં ચંદ્રયાન-3એ ચંદ્ર પર સલ્ફર (S), એલ્યુમિનિયમ (AI), કેલ્શિયમ (Ca), આયર્ન (Fe), ક્રોમિયમ (Cr), ટાઇટેનિયમ (Ti), મેંગેનીઝ (Mn), ઑક્સિજન (O) જેવા તત્ત્વો એકત્ર કર્યા હતા તથા સિલિકોન(Si)ના અસ્તિત્ત્વની પુષ્ટિ કરી હતી. ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઇટનું નામ શિવ શક્તિ પોઇન્ટ રાખવામાં આવ્યું હતું.

બે વાર થયું હતું સોફ્ટ લેન્ડિંગ

23મી ઑગસ્ટ 2023ના રોજ ચંદ્ર પર ઉતર્યા પછી ચંદ્રયાને ફરી એકવાર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. જ્યારે લેન્ડરના એન્જિનને શરુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે તે લગભગ 40 સેમી ઉપર ઉડીને પછી 30-40 સેમી દૂર જઈને લેન્ડ થયું હતું. એ રીતે જોઈએ તો ‘વિક્રમ’એ ચંદ્ર પર બે વાર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ પ્રયોગની સફળતાનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આ ટૅક્નોલૉજીનો ઉપયોગ ચંદ્રના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવા માટે તથા માનવ મિશન માટે થઈ શકે છે.

ઊંઘી રહ્યું છે ચંદ્રયાન-3 

ચંદ્રયાન-3 ના ઉતરાણની તારીખ એ રીતે પસંદ કરવામાં આવી હતી કે જેથી તે ચંદ્ર પર ઉતરે ત્યારે ત્યાં દિવસની શરુઆત હોય, કેમ કે રાત્રે ચંદ્ર પર તાપમાન માઇનસ 200 ડિગ્રી સેલ્સિયસથી માઇનસ 250 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જતું હોય છે. લેન્ડર અને રોવરને બેટરી ચાર્જ કરવા અને કામ કરવા માટે સૌર ઊર્જાની જરૂર પડે છે. માટે તેને દિવસના સમયે ચંદ્ર પર ઉતારવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો: ISROને મોટી સફળતા, ચંદ્રયાન-3ના રોવરે મોકલેલી જાણકારીથી થયો નવો રસપ્રદ ખુલાસો

સપ્ટેમ્બર 2023માં ચંદ્ર પર સૂર્ય અસ્ત થઈ જતાં લેન્ડર અને રોવરને 'સ્લીપ મોડ'માં મૂકી દેવાયા હતા અને સૌર ઉર્જા ઘટી ગયા બાદ બન્ને ઊંઘી ગયા હતા. વિક્રમ અને પ્રજ્ઞાન પૃથ્વી પર પાછા ફરવા માટે ડિઝાઇન નહોતા કરાયા. તેઓ ચંદ્ર પર ભારતના ‘રાજદૂત’ તરીકે કાયમ માટે રહેશે. 

એલિટ ક્લબમાં ભારતની એન્ટ્રી 

ભારત સિવાય માત્ર ત્રણ દેશો એવા છે જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મેળવી છે. જેમાં રશિયા, અમેરિકા, ચીનના નામ સામેલ છે. ચંદ્ર પર સૌપ્રથમ ઉતરનાર દેશ રશિયા છે. રશિયાનું લુના-2 12 સપ્ટેમ્બર, 1959ના રોજ ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. જો કે, તે હાર્ડ લેન્ડિંગ હતું. રશિયાને 3 ફેબ્રુઆરી 1966ના રોજ લુના-9 દ્વારા સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળી હતી. 1966માં રશિયાના લેન્ડિંગના થોડા મહિના બાદ અમેરિકાએ પણ સર્વેયર-1ની મદદથી સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. 3 જૂન, 2019ના રોજ ચીનના યાન ‘ચાંગઈ-4’ એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.

શા માટે નિષ્ફળ થયું હતું ચંદ્રયાન-2?

22 જુલાઈ, 2019ના રોજ લોન્ચ કરાયેલ ચંદ્રયાન-2 તેના મિશનમાં સંપૂર્ણ રીતે સફળ રહ્યું ન હતું. 6 સપ્ટેમ્બર 2019ના રોજ વિક્રમ લેન્ડર ક્રેશલેન્ડિંગનો શિકાર બન્યું હતું. લેન્ડિંગ સાઇટથી માત્ર 400 મીટર પહેલાં જ ઇસરોનો લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો હતો. ક્રેશ લેન્ડિંગનું મુખ્ય કારણ તેનું 410 ડિગ્રી પર ટર્ન હતું, જે અગાઉ 55 ડિગ્રી નક્કી કરવામાં આવ્યું હતું. લેન્ડરનો વેગ ચાર તબક્કામાં 6 હજાર કિમી પ્રતિ કલાકથી ઘટીને 0 કિમી પ્રતિ કલાક સુધી આવવાનો હતો, પરંતુ ટચડાઉનની થોડી મિનિટો પહેલાં જ એની સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો.

આ પણ વાંચો: ગૂગલે જીમેલમાં ‘પોલિશ’ ફીચરનો કર્યો સમાવેશ, રફ લખાણ હવે બની જશે પ્રોફેશનલ ઇમેલ


ઇસરોની ભવિષ્યની યોજના

અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ હજુ વધવાની છે. ગગનયાન પ્રોજેક્ટનું પ્રથમ માનવરહિત મિશન આ વર્ષે ડિસેમ્બરમાં મોકલવામાં આવનાર છે. તે પછી ચંદ્રયાન-4 અને ચંદ્રયાન-5 મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. વર્ષ 2028માં લોન્ચ થનાર ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રની સપાટી પરની માટી અને ખડકો પૃથ્વી પર લાવવામાં આવશે. ચંદ્ર પરથી અવકાશયાન લોન્ચ કરવું અને ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્પેસ 'ડોકિંગ'નો પ્રયોગ કરવો જેવા અઘરા કામ એ મિશનમાં પાર પાડવામાં આવશે. ઇસરો આગામી પાંચ વર્ષમાં 70 ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના પણ ધરાવે છે.

ISROના ચંદ્રયાન-3ને ચંદ્ર પર એક વર્ષ પૂરું થયું, જાણો હવે કેવા હાલમાં છે 'વિક્રમ' અને 'પ્રજ્ઞાન' 2 - image


Google NewsGoogle News