મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, એક વિદ્યાર્થીનું મોત, 20 મુસાફર ઘવાયા
Image Source: Twitter
Bus Accident In Chhatarpur: મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઝાંસી-ખજુરાહો ફોરલેન નેશનલ હાઈવે નંબર-39 પર છતરપુર પાસે રીવાથી ગ્વાલિયર જઈ રહેલી સ્લીપર બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ બસ ડમ્પર સાથે અથડાયા બાદ ખીણમાં ખાબકી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાગેશ્વર ધામ ગંજ તિરાહા ખાતે રાત્રે 12:00 વાગ્યે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે અને 20 મુસાફરો ઘાયલ થયા છે.
એક વિદ્યાર્થીનું મોત
અકસ્માતમાં રીવા સ્થિત સૈનિક સ્કૂલના વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. આ વિદ્યાર્થી દિવાળીના વેકેશનમાં પિતા સાથે ભીંડ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે અને પાંચની હાલત ગંભીર છે. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક છતરપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જે મુસાફરોની હાલત ગંભીર છે તેમને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વાઘ બારસની સાથે આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ, બજારમાં ખરીદી માટે લોકોની ભીડ
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ડમ્પરના પરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ તાત્કાલિક ઘટના સ્થળ પર હાજર લોકોએ રેસ્ક્યુ શરૂ કર્યું હતું. સૂચના મળતા જ ખજુરાહોના એસડીઓપી સલિલ શર્માએ પોલીસ અને ગ્રામજનોની મદદથી ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.