કોઈ પોતે ભગવાન બની ગયા છે તેવું જાતે નક્કી ન કરી લે : ભાગવત
- હું બાયોલોજિકલ મનુષ્ય નથી તેવાં મોદીના ઉચ્ચારણોના સંદર્ભમાં સૂચક વિધાન
- કેટલાક લોકો શાંત રહેવાને બદલે વીજળી જેમ ચમકવા ઈચ્છે છે પણ વીજળીના ચળકાટ પછી તો ઘનઘોર અંધારુ થાય
- આપણે ભગવાન બનશું કે નહિ તે લોકોને જાતે જ નક્કી કરવા દો
નવી દિલ્હી : 'આપણે ભગવાન બનીશું કે નહીં તેનો નિર્ણય જનતા કરશે. કોઈએ પણ પોતે ભગવાન બની ગયા છે તેવો દાવો જાતો કરવો જોઈએ નહીં એમ આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે હું કોઈ બાયોલોજિકલ સંતાન નથી તેવી મને ખાતરી થઈ ગઈ છે. ભાગવતનાં આ ઉચ્ચારણોને મોદીનાં એ વિધાનોના સંદર્ભમાં સાંકળી રાજકીય ચર્ચા જામી છે.
ભાગવતે વધુ સૂચક ઉચ્ચારણો કરતાં કહ્યું હતું કે શાંત રહેવાને બદલે વીજળીની જેમ ચળકવું જોઈએ. વાસ્તવમાં વીજળી ત્રાટકે તે પછી તો પહેલાં કરતાં પણ વધારે ઘનઘોર અંધારું જામે છે.
સાાચા કાર્યકર સેવકોએ વીજળી જેમ ચમકવાને બદલે દીવા જેમ પ્રજવળવું જોઈએ અને જયારે જરુર પડે ત્યારે જ ઝગારો મારવો જોઈએ. પણ જ્યારે કોઈ ચમકે ત્યારે તે પ્રકાશ માથા પર નહીં આવવો જોઈએ. (અભિમાની નહીં બનવું જોઈએ.) વિચારોની ઊંડાઈ કાર્યની ઉંચાઈને વધારે છે તેવી સલાહ ભાગવતે આપી હતી.
મણિપુરમાં બાળકોના શિક્ષણ માટે ૧૯૭૧ સુધી સતત કાર્યશીલ રહેલા શંકર દિનકર કાણે (ભૈયાજી તરીકે ઓળખાતા)ના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં મોહન ભાગવત સંબોધન કરી રહ્યા હતા.
મોહન ભાગવતે મણિપુરની પરિસ્થિતિ બાબતમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો બે જૂથ વચ્ચેનો સંઘર્ષ દૂર કરવા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા પોતાની સલામતીની ચિંતા કર્યા વગર પ્રયત્નો કરી રહ્યા છે.
મણિપુરમાં સલામતીની ખાત્રી નહીં હોવા છતાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો ત્યાં સેવા કાર્ય કરી રહ્યા છે તેવું સરસંઘસંચાલક મોહન ભાગવતે ગુરુવારે પુણેમાં કહ્યું હતું.
તેમણે કહ્યું કે 'મણિપુરમાં પરિસ્થિતિ સામાન્ય નથી અને ત્યાં સુરક્ષાની કોઈ ખાત્રી નથી.
સ્થાનિક રહેવાસીઓને પણ તેમના જીવનની સલામતી અંગે શંકા છે. જે લોકો ત્યાં વેપારધંધા અથવા સમાજસેવા માટે ગયા છે. તેમની પરિસ્થિતિ વધુ ચિંતાનજક છે.
આવી પરિસ્થિતિમાં પણ સંઘના સ્વયંસેવકો હિંસાગ્રસ્ત મણિપુરમાં ઊભા રહ્યા છે અને સમાજસેવાના કાર્યો કરી રહ્યા છે. તેઓ બન્ને જૂથની સેવા કરી રહ્યા છે અને પરિસ્થિતિ શાંત કરવા પ્રયત્નો કરી રહ્યા છે.
સંઘના સ્વયંસેવકોએ અશાંત રાજ્ય છોડયું નથી અથવા નિષ્ક્રીય નથી બન્યા, પણ બે જૂથ વચ્ચેનો રોષ અને વેરભાવના મિટાવવા પરિસ્થિતિ સામાન્ય કરવા અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવા સતત સંઘર્ષ કરી રહ્યા છે.
'વિશ્વના પ્રશ્નોના ઉકેલ માટે ભારત પ્રયત્નશીલ છે તેવી આપણે બધા વાત કરતા હોય છે, પણ ફક્ત કાણે (ભૈયાજી) જેવા લોકોની તપશ્ચર્યાથી આ શક્ય બન્યું છે. શંકર દિનકર કાણેએ ૧૯૭૧ સુધી મણિપુરમાં બાળકોના શિક્ષણ માટે કાર્યરત રહ્યા અને તે પછી વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર લાવી તેમને માટે તમામ વ્યવસ્થા કરી હતી.
વિશ્વમાં કેટલાક દેશમાંની અશાંત પરિસ્થિતિના મામલે ભાગવતે બુધવારે એક અન્ય કાર્યક્રમમાં કહ્યું હતું કે વિશ્વના કેટલાક હિસ્સામાં ઉદ્ભવેલી ખરાબ શક્તિઓનો (ત્રાસવાદ) ખાત્મો ભારતમાં થતો હોય છે. જે લોકો વિશ્વ પર પોતાની પકડ મજબૂત કરવા માગે છે અને તેઓ જ સાચા છે તેવું માને છે અને બીજા ખોટા છે તેવી અભિમાની વૃત્તિ લોકોને એકબીજાની સામે ઊભા રાખે છે અને ફાયદો મેળવવા ચાહે છે.
મોદીએ કહ્યું હતું, મને ઈશ્વરે મોકલ્યો છે
લોકસભા ચૂંટણી વખતે એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જયાં સુધી મારાં માતા હયાત હતા ત્યાં સુધી હું માનતો હતો કે હું જૈવિક રીતે જ જન્મ્યો છું. પરંતુ, માતાનાં નિધન પછી મને જે પ્રકારે અનુભૂતિઓ થઈ રહી છે તે જોતાં મને ખાતરી થઈ ગઈ છે કે મને ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યો છે. આ ઊર્જા, આ ચેતના કોઈ બાયોલોજિકલ દેહની હોઈ શકે જ નહીં. ખુદ ઈશ્વરે મને આશીર્વાદરુપે તે પ્રદાન કરી છે. હું જે પણ કરું છું તેમાં ઈશ્વરનું મને માર્ગદર્શન મળે છે.