2.5 કરોડ વિદ્યાર્થીને મળી 'AADHAR' જેવી 'APAAR' ID, જાણો વન નેશન, વન સ્ટુડન્ટ્સ યોજના શું છે?
આ ID જે આધારની જેમ કામ કરશે તેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR) નામ આપવામાં આવ્યું છે
આ યોજના શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે
One Nation One Students | 'વન નેશન, વન સ્ટુડન્ટ' હેઠળ હવે દરેક વિદ્યાર્થીની એક વિશેષ ઓળખ (12 અંકનું ID) હશે, જે તેને કિન્ડરગાર્ટનથી લઈને પીએચડીના અભ્યાસ અને નોકરી મેળવવા સુધી મદદરૂપ થશે. આ ID જે આધારની જેમ કામ કરશે તેને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR) નામ આપવામાં આવ્યું છે. આ યોજના શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે.
કેટલાં વિદ્યાર્થીઓને અપાઈ?
કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા 4.50 કરોડ વિદ્યાર્થીઓમાંથી 2.50 કરોડને APAAR આઈડી આપી દીધી છે. બાકીના વિદ્યાર્થીઓ માટે APAARનું કામકાજ ચાલુ છે. શાળાના વિદ્યાર્થીઓ માટે યુનિક આઈડી બનાવવા માટે રાજ્યોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એકવાર આ યોજના લાગુ થયા પછી, વિદ્યાર્થીઓ દેશમાં ગમે ત્યાં જઈ શકશે અને શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. હાલમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ અને અન્ય ગૂંચવણોના કારણે આ પ્રક્રિયા (માઇગ્રેશન)માં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ આઈડી આ રીતે કામ કરશે?
વિદ્યાર્થીના બાલ વાટિકામાં પ્રવેશ મેળવતા જ તેની APAAR આઈડી બની જશે. જેમાં વિદ્યાર્થી અને વાલીઓનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો અને આધાર નંબર નાખવામાં આવશે. આ આઈડી તેના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપયોગી થશે. વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાઓ, JEE, NEET, CUET અને અન્ય રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી ફોર્મમાં આ ID અપલોડ કરવાની રહેશે.
ડિજીલોકર અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે જોડવામાં આવશે
આ ID ને DigiLocker અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ વિદ્યાર્થી અભ્યાસક્રમ, ડિગ્રી, પ્રમાણપત્ર, કૌશલ્ય અથવા અન્ય કોઈ સિદ્ધિ પૂર્ણ કરે છે, ત્યારે તેના પ્રમાણપત્રો તેમાં ઉમેરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો અલગથી તપાસવાની જરૂર રહેશે નહીં. અભ્યાસ બાદ કેમ્પસ પ્લેસમેન્ટ અને જોબમાં પણ આ યુનિક આઈડી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે.