એક રાષ્ટ્ર, એક ચૂંટણી : મોદી 3.0માં જ લાગુ થઈ જશે

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
એક રાષ્ટ્ર, એક ચૂંટણી : મોદી 3.0માં જ લાગુ થઈ જશે 1 - image


- મોદી સરકારના ત્રીજા કાર્યકાળના '૧૦૦ ડેઝ' : ચૂંટણી માટે નવો એજેન્ડા

- ટૂંક સમયમાં વસતી ગણતરીની તૈયારીઓ શરૂ થઈ જશે, પરંતુ જાતિ આધિરત ગણતરી અંગે અનિશ્ચિતતા

- કોવિંદ સમિતિએ સરકારને રિપોર્ટ રજૂ કર્યો, કાયદા પંચ પણ એક ચૂંટણીની ભલામણ કરે તેવી શક્યતા

- દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી માટે સ્વ-ગણતરી પોર્ટલ બનાવાઈ રહ્યું છે : સરકાર

નવી દિલ્હી: ભાજપના મુખ્ય એજન્ડા એવા રામ મંદિરની સ્થાપના અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાના વચનો પૂરા થઈ ગયા છે. યુનિફોર્મ સિવિલ કોડ પર કામ ચાલી રહ્યું છે ત્યારે હવે મોદી સરકાર વધુ એક એજન્ડા પરનું કામ પૂરું કરવા જઈ રહી છે. એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળમાં જ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો અમલ કરવાની યોજના બનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે તેનું સમર્થન કર્યું હતું. હવે એક રાષ્ટ્ર, એક ચૂંટણી યોજનાની સમીક્ષા માટે બનાવાયેલી કોવિંદ સમિતિએ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવાની ભલામણ કરી છે.

ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર વર્તમાન કાર્યકાળમાં જ એક રાષ્ટ્ર, એક ચૂંટણી યોજના લાગુ કરી દેશે. કેન્દ્ર સરકારને વિશ્વાસ છે કે આ સુધારાને બધા જ પક્ષોનું સમર્થન મળશે. કાયદા પંચ પણ વર્ષ ૨૦૨૯થી દેશમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી શકે છે. 

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ લઈને ઈતિહાસ રચ્યો છે ત્યારે આ સરકારના કાર્યકાળના ૧૦૦ દિવસ પૂરા થઈ ગયા છે. આવા સમયે સૂત્રોએ જણાવ્યું કે, શાસક ગઠબંધનની અંદર એકતા બાકીના કાર્યકાળમાં પણ જળવાઈ રહેશે. નિશ્ચિતરૂપે આ યોજનાને આ કાર્યકાળમાં જ અમલમાં મૂકાશે. આ એક વાસ્તવિક્તા હશે.

સૂત્રોએ જણાવ્યું કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે વસતી ગણતરી એક મહત્વનું પરીબળ બની શકે છે. કેન્દ્ર સરકારે દાયકામાં એક વખત થતી વસતી ગણતરી કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ આ પ્રક્રિયામાં જાતિ સંબંધિત કોલમ ઉમેરવા અંગે  હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. સામાન્ય પ્રક્રિયામાં ભારતમા ંવર્ષ ૨૦૨૧માં વસતી ગણતરી થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે વસતી ગણતરીની કામગીરી પાછી ઠેલાઈ છે. 

સૂત્રોએ જણાવ્યું કે દેશમાં આ પહેલી ડિજિટલ વસતી ગણતરી હશે, જેના મારફત નાગરિકોને પોતાને ગણતરી કરવાની તક મળશે. તેના માટે તંત્રે એક સ્વ--ગણતરી પોર્ટ તૈયાર કર્યું છે, જે હજુ લોન્ચ કરાયું નથી. સ્વ-ગણતરી દરમિયાન આધાર અથવા મોબાઈલ નંબર ફરજિયાતરૂપે એકત્ર કરાશે.

દરમિયાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંબોધનમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીની જોરદાર તરફેણ ક રી હતી. તેમણે કહ્યું હતું કે, વારંવાર ચૂંટણી થવાથી દેશની પ્રગતિમાં અવરોધો ઉત્પન થઈ રહ્યા છે. ભારતે એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે આગળ આવવું પડશે. વડાપ્રધાને રાજકીય પક્ષોને લાલ કિલ્લા પરથી અને રાષ્ટ્રીય તિરંગાને સાક્ષી માનીને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો હતો. તાજેતરમાં પૂરી થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ઘોષણાપત્રમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ને મુખ્ય વચન તરીકે સામેલ કર્યું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આ વર્ષે માર્ચમાં પહેલાં પગલાંના ભાગરૂપે લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ એક સાથે કરાવવાની ભલામણ કરી હતી. સમિતિએ લોકસભા અને વિધાનસભા ચૂંટણીના ૧૦૦ દિવસની અંદર સ્થાનિક એકમોની ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે.

આ સિવાય કાયદા પંચ પણ સરકારને બધી જ ત્રણેય લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય તેમજ પંચાયતોની ચૂંટણીઓ એક સાથે કરાવવાની ભલામણ કરી શકે છે. તે ગૃહમાં બહુમત નહીં હોવાની સ્થિતિમાં એકતા સરકારની જોગવાઈ કરવાની ભલામણ કરી શકે છે. કોવિંદ સમિતિએ એક સાથે ચૂંટણી કરાવવા માટે કોઈ સમય મર્યાદા જણાવી નથી.

મોદી સરકારની ૧૦૦ દિવસમાં ૩ લાખ કરોડના પ્રોજેક્ટને મંજૂરી

દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય

પાલઘરમાં રૂ. ૭૬,૦૦૦ કરોડની વાધવાન પોર્ટ યોજના સહિતના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી દેવાનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છે. આ લક્ષ્ય માટે સરકાર કોઈ કસર બાકી રાખવા માગતી નથી. દેશમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા, આર્થિક વિકાસ અને રોજગાર સર્જન માટે મોદી સરકારે ત્રીજા કાર્યકાળના પહેલા ૧૦૦ દિવસમાં રૂ. ૩ લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી પહેલાં સરકારી કર્ચચારીઓ સાથેની અંતિમ બેઠકમાં નવી સરકારના ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર રાખવા જણાવ્યું હતું. એનડીએ સરકારને લોકસભા ચૂંટણીમાં અપેક્ષા મુજબ બેઠક ના મળી પરંતુ સરકાર તેણે જ બનાવી છે. હવે સરકાર વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. ૧૫ લાખ કરોડના રોકાણની યોજના બનાવી છે. 

કેન્દ્ર સરકારે ગયા મહિને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રૂ. ૭૬,૦૦૦ કરોડની વાધવાન પોર્ટ યોજના અને અન્ય અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. મુંબઈથી ૧૫૦ કિ.મી. દૂર દહાણુ નજીક વાધવાન પોર્ટ દેશના સૌથી મોટા ઊંડા પાણીના પોર્ટમાંથી એક હશે અને કેન્દ્રના પોર્ટ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ પૂરો થતા તેનાથી દેશમાં ૧૨ લાખ નોકરીઓ અને લગભગ ૧  કરોડ પરોક્ષ રોજગારીની તકો સર્જાવાની આશા છે. કેન્દ્રીય બજેટમાં નેશનલ હાઈવે, પોર્ટ, રેલવે અને ઈલેક્ટ્રિસિટી સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્ર માટે રૂ. ૧૧.૧૧ લાખ કરોડની ફાળવણી કરાઈ છે.  


Google NewsGoogle News