ભારતમાં ઘણો જૂનો છે ‘એક દેશ, એક ચૂંટણી’નો ઈતિહાસ, ક્યારે બંધ થઈ આ પ્રથા
One nation one election: લોકસભા ચૂંટણી અગાઉ ભારતમાં એક દેશ એક ચૂંટણી લાગુ થઇ શકે છે. હવે 2029 લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ શકે છે. પરંતુ તમે જાણતા નહીં હોવ કે દેશમાં અગાઉ પણ આ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. ભારતમાં વન નેશન,વન ઈલેક્શન હેઠળ ચૂંટણી થઇ ચૂકી છે. વડાપ્રધાન,રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સાંસદ અને ધારાસભ્યો એક સાથે ચૂંટાઈ શક્યા છે.
દેશમાં ચાર વખત થયા છે એક સાથે ઈલેક્શન
એક દેશ, એક ચૂંટણીની સ્થિતિ એક વખત નહીં પરંતુ ચાર વખત સર્જાઈ છે. વર્ષ 1952, 1957, 1962 અને 1967 દરમિયાન દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ હતી. પરંતુ વિધાનસભાઓમાં રાજકીય અસ્થિરતાના કારણે એક સાથે ચૂંટણી થવાનું શક્ય નહોતું બનતુ જેથી દેશમાં અલગ અલગ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થવા લાગી હતી.
ઈતિહાસમાં નોંધાયેલ રેકોર્ડ અનુસાર વર્ષ 1971માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતા વહેલા કરવાની જરૂર ઉભી થઇ હતી. જોકે ચૂંટણીના નિયમ અનુસાર પાંચ વર્ષ પછી 1972માં થનાર હતી પરંતુ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બેંકોને રાષ્ટ્રીયકૃત કરી દીધી હતી. તેમણે પાકિસ્તાનના ભાગલા કરીને બાંગ્લાદેશ બનાવ્યું હતું. કોંગ્રેસના પણ બે ભાગ થઇ ગયા હતા.
તે સમયે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા વધી રહી હતી. તેથી તેમણે મોકાનો ફાયદો ઉઠાવી મધ્યસત્ર ચૂંટણી યોજી દીધી હતી. ગરીબી હટાવોનો નારો આપીને ચૂંટણીમાં તેઓ ઉતર્યા હતા. વિરોધીઓએ ઇન્દિરા હટાવોનો નારો આપ્યો હતો પણ ગરીબી હટાવોનો નારો મજબુત સાબિત થયો હતો અને 18 માર્ચ 1971ના રોજ ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ફરી શપથ લીધા હતા.
રાજ્યોમાં કેમ આ પ્રથા તૂટી ?
1967માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 423 બેઠકોમાંથી ફક્ત 198 બેઠક મળી હતી જ્યારે સરકાર બનાવવા માટે 212 બેઠકની જરૂર હતી. કોંગ્રેસે 37 અપક્ષ ધારાસભ્યની મદદથી સરકાર બનાવી હતી અને સીપી ગુપ્તા મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ ચૌધરી ચરણસિંહે બળવો કરતા ગુપ્તા સરકાર પડી ગઈ હતી.
ચરણસિંહે ભારતીય જનસંઘ અને સંયુક્ત સમાજવાદી પાર્ટીનો સહયોગ લઈને સરકાર બનાવી હતી પરંતુ ગઠબંધનમાં હોદ્દાને લઈને થયેલા અણબનાવને પગલે આ સરકાર પણ લાંબા સમય સુધી ચાલી શકી નહોતી. વિધાનસભા ભંગ કરી દેવાઈ હતી, નવેસરથી ચૂંટણી કર્યા બાદ આ પ્રથા અન્ય રાજ્યોમાં પણ શરુ રહી ગઈ હતી જે અત્યાર સુધી ચાલી રહી છે.
આ દેશોમાં વ્યવસ્થા લાગુ
જર્મની, હંગેરી, સ્પેન, પોલેન્ડ, ઇન્ડોનેશિયા, બેલ્જીયમ, દક્ષિણ આફ્રિકા, સ્લોવેનિયા, અલ્બાનિયા, સ્વીડન અને હવે ભારતમાં પણ આ વ્યવસ્થા લાગુ છે.