‘એક દેશ એક ચૂંટણી' અંગે કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ, જાણો શું કરી ભલામણ
પેનલે તેનો 18,626 પાનાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કર્યો
One Nation One Poll : પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ‘એક દેશ એક ચૂંટણી’ને રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક એકમોની ચૂંટણીઓ એકસાથે યોજવાની શક્યતા અંગે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિને રિપોર્ટ સુપરત
પેનલે તેનો 18,626 પાનાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને સુપરત કર્યો છે. આ અહેવાલ 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ સમિતિની રચના બાદ હિતધારકો, નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને 191 દિવસના સંશોધન કાર્યને ધ્યાનમાં લેવાયા છે.
પેનલે આ ભલામણ કરી
પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદના નેતૃત્વ હેઠળની પેનલે ભલામણ કરી છે કે પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે.
એક મતદાર યાદી અને એક ઓળખ કાર્ડ
આ સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે લોકસભા, વિધાનસભા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ માટે એક સમાન મતદાર યાદી અને ઓળખ કાર્ડની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે કલમ 325માં સુધારો કરી શકાય છે. ભારતીય ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી પંચ સાથે પરામર્શ કરીને મતદાર યાદી અને ફોટો ઓળખ કાર્ડ તૈયાર કરશે. આ હેઠળ તૈયાર કરવામાં આવેલી મતદાર યાદી અને ફોટો ઓળખ પત્ર ચૂંટણી પંચ અથવા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આર્ટિકલ 325 હેઠળ તૈયાર કરવામાં આવેલ કોઈપણ મતદાર યાદી અને ફોટો ઓળખ પત્રનું સ્થાન લેશે.