Get The App

વન નેશનલ વન ઈલેક્શન માટેની જેપીસીમાં પ્રિયંકા ગાંધી સહિત આ દિગ્ગજ નેતાઓના નામ સામેલ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
વન નેશનલ વન ઈલેક્શન માટેની જેપીસીમાં પ્રિયંકા ગાંધી સહિત આ દિગ્ગજ નેતાઓના નામ સામેલ 1 - image


One Nation One Election Bill : ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ ગઈકાલે (17 ડિસેમ્બર) લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને 'બંધારણ (129મો સુધારો) બિલ 2024' નામ આપવામાં આવ્યું છે. હવે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું છે. લોકસભાના અધ્યક્ષ જેપીસીની રચના કરશે, જેમાં કોંગ્રેસના ચાર નેતા પણ સામેલ હશે. કોંગ્રેસે આ નામો ફાઈનલ કરી લોકસભા અધ્યક્ષને મોકલી દીધા છે. સમિતિમાં રાજ્યસભા અને લોકસભાના સભ્યો સામેલ હશે અને તેઓ કોઈપણ મુદ્દા અથવા બિલની સંપૂર્ણ સમીક્ષાનો રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ તેને સરકાર સમક્ષ મોકલાશે.

કોંગ્રેસે JPCમાં સામેલ કરવા આ ચાર નામ મોકલ્યા

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ તરફથી સંયુક્ત સંસદીય સમિતિમાં સામેલ કરવા માટે મનીષ તિવારી, પ્રિયંકા ગાંધી, સુખદેવ ભગત અને રણદીપ સુરજેવાલાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. એટલે કે આ નેતાઓ વન નેશન, વન ઈલેક્શન અંગેની બાબતો જેપીસીમાં રજુ કરશે. મનીષ તિવારી અને રણદીપ સૂરજેવાલા વકીલ છે, જ્યારે સુખદેવ ભગત આદિવાસી નેતા તરીકે ઓળખાય છે. પ્રિયંકા ગાંધી મહિલાઓનું નેતૃત્વ કરશે.

વન નેશન, વન ઈલેક્શન: સમર્થનમાં 269, વિરોધમાં 198 મત, બિલ JPCને મોકલાયું

આ પક્ષના નેતાને પણ તક મળવાની સંભાવના

ઈન્ડિ ગઠબંધનમાં સામેલ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) તરફથી જેપીસીમાં પી. વિલ્સનને તક મળવાની સંભાવના છે. વિલ્સમ જાણીતા વકીલ છે. આ ઉપરાંત ડીએમકે સાંસદ ટી. સેલ્વાગેથીનું નામ પણ અધ્યક્ષ સમક્ષ મોકલી શકે છે. સમાજવાદી પાર્ટી તરફથી સાંસદ ધર્મેન્દ્ર યાદવ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી કલ્યાણ બેનરજી અને સાકેત ગોખલેની પણ જેપીસીમાં સામેલ થવાની સંભાવના છે.

જેપીસીમાં કેટલા સભ્યો હોઈ શકે છે?

જેપીસીમાં કેટલા સભ્યોને સામેલ કરી શકાય છે, તે અંગે લોકસભા અધ્યક્ષ નિર્ણય કરે છે. કમિટીમાં રાજ્યસભા અને લોકસભા બંનેના સભ્યોને સામેલ કરવામાં આવે છે. સામાન્ય રીતે રાજ્યસભાના સભ્યોની સરખામણીમાં લોકસભાના સભ્યો આમાં વધુ હોય છે. કેન્દ્ર સરકાર જેપીસીના રિપોર્ટના આધારે સંશોધિત બિલ ગૃહમાં રજુ કરે છે. વન નેશન-વન ઈલેક્શન બિલ એ બંધારણીય સુધારો છે અને તેના માટે સરકારને વિશેષ બહુમતીની જરૂર છે. તેથી જ કેન્દ્ર સરકાર જેપીસીની મદદથી સર્વસંમતિ બનાવવાની કવાયતમાં લાગી ગઈ છે.

આ પણ વાંચોઃ વન નેશન, વન ઈલેક્શન બિલ મુદ્દે વ્હિપ પછીયે 20 સાંસદ ગેરહાજર, ભાજપની નોટિસ ફટકારવાની તૈયારી

ગઈકાલે લોકસભામાં બિલ રજૂ કરાયું હતું

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ગઈકાલે (17 ડિસેમ્બર) ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ રજૂ કરાયું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતાં જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા છે.

શું છે એક દેશ, એક ચૂંટણી બિલ?  

‘એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.


Google NewsGoogle News