‘એક દેશ, એક ચૂંટણી’ના મોટા સમાચાર, લોકસભા-વિધાનસભાની એકસાથે ચૂંટણી ક્યારથી યોજાશે?
કાયદા પંચની ભલામણ બાદ સમગ્ર દેશમાં એક સાથે મે-જૂન 2029માં ચૂંટણી થઈ શકે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી
One Nation One Election : એક દેશ એક ચૂંટણીના મુદ્દા પર કાયદા પંચનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. કાયદા પંચ 15 માર્ચ પહેલા પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેશે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આયોગ આ મુદ્દાને લઈને બંધારણમાં સુધારા માટે ભલામણ કરવા અને વર્ષ 2029ના મધ્ય સુધીમાં દેશભરમાં લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે કરવાની ભલામણ કરી શકે છે. કાયદા પંચ એક સાથે ચૂંટણી યોજવા આ અંગે એક નવો અધ્યાય બંધારણમાં ઉમેરવા માટે બંધારણીય સુધારાની ભલામણ કરશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં ત્રણ તબક્કામાં વિધાનસભાઓની શરતોને સુમેળ કરવા બાબતે પણ ભલામણ કરશે.
તો સમગ્ર દેશમાં મે-જૂન 2029માં એક સાથે ચૂંટણી થઈ શકે છે
કાયદા પંચની ભલામણ બાદ સમગ્ર દેશમાં એક સાથે મે-જૂન 2029માં ચૂંટણી થઈ શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ કાયદા પંચ ભલામણ કરશે કે પહેલા તબક્કામાં રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી યોજાય. તેના માટે વિધાનસભાના સમયગાળાને ત્રણ અથવા છ મહિના ઓછી પણ કરવી પડે તેવુ બની શકે છે. આ સિવાય જો કોઈ સરકાર અવિશ્વાસના કારણે પડી ભાંગે તો ત્રિશંકુ ગૃહ હોય તો આયોગ વિવિધ રાજકીય પક્ષોનો પ્રતિનિધિઓ સાથે 'એકતા સરકાર' ની રચના કરશે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિ રચાઈ
આ સાથે જો એકતા સરકારની ફોર્મૂલા કામ નહીં આવે, તો કાયદા પેનલ બાકીના કાર્યકાળ માટે નવી ચૂંટણી માટે ભલામણ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 'વન નેશન વન ઈલેક્શન' પર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ હતી. કાયદા પંચ પણ આ બાબતે તેનો રિપોર્ટ તૈયાર કરવા કામે લાગી ગયું છે. રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ દરેક રાજકીય પક્ષો સાથે FICCI સહિત અનેક સંસ્થાઓ સાથે વાત કરી છે.