તો 2027માં ગુજરાતમાં બે વર્ષ જ ચાલશે સરકાર: વન નેશન-વન ઈલેક્શન માટે રાજ્યોમાં બદલાશે ચૂંટણીની તારીખ
One Nation, One Election : કેન્દ્રની મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા જ એક દેશ-એક ચૂંટણી માટે મોટા નિર્ણયની તૈયારી બતાવી હતી. મીડિયા અહેવાલો અનુસાર હવે ત્રીજા કાર્યકાળમાં વન નેશન-વન ઈલેક્શન માટે સરકાર સંસદમાં બિલ લાવી રહી છે. જો આ ખરડો કાયદો બને તો વર્ષ 2029માં લોકસભાની સાથે સાથે તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ એકસાથે થશે. તે ચૂંટણીના ત્રણ મહિનાની અંદર પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પણ કરાવવામાં આવશે.
વન નેશન વન ઈલેક્શન માટે મોદી સરકારે એક વર્ષ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક સમિતિની રચના કરી હતી. સમિતિએ આ વર્ષે માર્ચ મહિનામાં વર્તમાન રાષ્ટ્રપતિને અહેવાલ સોંપ્યો હતો. 18 હજાર પેજના અહેવાલમાં ચૂંટણીને લઈને અનેક ભલામણો કરવામાં આવી છે.
બે તબક્કામાં ચૂંટણી યોજવા ભલામણ
સમિતિએ ભલામણ કરી છે કે દેશમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવે. પહેલા તબક્કામાં લોકસભા તથા તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થાય. તે ચૂંટણી સંપન્ન થાય તેના 100 દિવસની અંદર અંદર બીજા તબક્કામાં દેશની તમામ નગરપાલિકાઓ તથા પંચાયતની ચૂંટણી કરાવવામાં આવે.
જો સમિતિની ભલામણ પ્રમાણે જ કાયદો બનાવવા આવશે તો તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ લોકસભાના કાર્યકાળ સાથે સમાપ્ત થઈ જશે. આમ તમામ વિધાનસભાનો કાર્યકાળ વર્ષ 2029માં સમાપ્ત થઈ જશે.
જો સરકાર આ ભલામણો લાગુ કરે તો કયા રાજ્યમાં શું પરિસ્થિતિ સર્જાશે
- 5 વર્ષનો કાર્યકાળ: 2024માં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં લોકસભાની સાથે સાથે જ વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. એવામાં અહીં 2029માં જ કાર્યકાળ સમાપ્ત થશે. હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં છ મહિના અગાઉ વિધાનસભા ભંગ કરવી પડશે.
- ચાર વર્ષનો કાર્યકાળ: ઝારખંડ, બિહાર અને દિલ્હી
- ત્રણ વર્ષનો કાર્યકાળ: વર્ષ 2026માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ, પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણી થશે. પણ વન નેશન વન ઈલેક્શનના કારણે અહીં 2029માં ફરી ચૂંટણી કરાવવી પડશે. આમ આ રાજ્યોની વિધાનસભા ત્રણ વર્ષમાં ભંગ કરવી પડશે.
- બે વર્ષનો કાર્યકાળ: ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં 2027માં વિધાનસભા ચૂંટણી થશે અને બે વર્ષમાં વિધાનસભા ભંગ કરી દેવાશે.
- એક વર્ષનો કાર્યકાળ: હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, તેલંગાણા, મિઝોરમ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 2028ના ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવવાની છે. એવામાં એવું પણ બની શકે કે આ રાજ્યોમાં 2028ની ચૂંટણી સ્થગિત કરી સીધી 2029માં ભેગી ચૂંટણી જ થાય.
સમિતિની ભલામણ અનુસાર મોદી સરકારે કેન્દ્ર અને વિધાનસભાની ચૂંટણી ભેગી કરાવવા માટે રાજ્યોની મંજૂરી લેવાની જરૂર નથી.
જો કોઈ રાજ્ય સરકાર પાંચ વર્ષ ન ચાલે તો?
ભારતમાં ઘણા રાજ્યોમાં ગઠબંધનથી સરકાર ચાલે છે. ઘણીવાર રાજ્ય સરકારો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલા જ પડી ભાંગે છે. એવી સ્થિતિ માટે પણ સમિતિએ ભલામણ કરી છે. જો વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમત ન મળે તો સૌથી મોટા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવશે. જો સરકાર પાંચ વર્ષ નહીં ચાલે તો ફરી ચૂંટણી કરાવાશે પણ તેનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં રહે. માની લો કે કોઈ રાજ્યમાં 2029માં સરકાર બની પણ 2032માં સરકાર પડી ભાંગી તો 2032માં જ ચૂંટણી તો ફરી ચૂંટણી તો થશે જ પણ તેનો કાર્યકાળ 2034 સુધીનો જ રહેશે. લોકસભા ચૂંટણી થાય ત્યારે ફરી તે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થશે.