એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં આજે રજૂ નહીં થાય, કેન્દ્રનો યુ-ટર્ન
સરકાર લોકસભામાં ફાઇનાન્સના કામોને પ્રાથમિકતા આપશે
નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક સમયથી એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલની ખૂબ ચર્ચા થઈ રહી હતી. કેન્દ્રિય કેબિનેટે ગુરુવારે આ બિલને મંજૂરી આપી હતી અને સોમવારે બિલ લોકસભામાં રજૂ કરાશે તેવી ચર્ચા હતી. જોકે, રવિવારે અચાનક કેન્દ્ર સરકારે આ મુદ્દે યુ-ટર્ન લઈ લીધો છે. હવે સોમવારે લોકસભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ રજૂ નહીં થાય. તેને લોકસભાની સોમવારની સુધારેલી કાર્ય સૂચીમાંથી હટાવી દીધું છે. વધુમાં સરકારે શા માટે યુ-ટર્ન લીધો અથવા હવે બિલ ક્યારે રજૂ કરાશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
શિયાળુ સત્રની શરૂઆતથી જ દેશમાં વન નેશન વન ઈલેક્શન બિલ ચર્ચાસ્પદ બન્યું હતું. આ સંબંધે બે બિલ સોમવારે લોકસભામાં રજૂ થવાના હતા. અદાણી અને જ્યોર્જ સોરોસના વિવાદના પગલે સંસદ વારંવાર ખોરવાઈ રહી છે ત્યારે સોમવાર માટે લોકસભાની કાર્યસૂચિ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે, એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ કરાશે.
જોકે, કેન્દ્ર સરકારે રવિવારે સુધારેલી કાર્યસૂચિ જાહેર કરી હતી, જેમાં આ બિલને હટાવી દેવાયું છે. સુધારેલી કાર્યસૂચિ મુજબ સોમવારે આ બિલ લોકસભામાં રજૂ નહીં થાય. એટલું જ નહીં સરકારે આ નિર્ણય કેમ લીધો અને હવે આ બિલ ક્યારે રજૂ કરાશે તે અંગે પણ સરકારે કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું હોવાથી હવે આ બિલના રજૂ થવા અંગે અસમંજસની પરિસ્થિતિ છે.
જોકે, સૂત્રો મુજબ સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી આધારિત બિલ લોકસભામાં રજૂ કરવામાં વિલંબ કરી દીધો છે. આ બિલ ફાઈનાન્સિયલ કામ પૂરું થયા પછી ગૃહમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. પહેલા આ બિલ બંધારણ (૧૨૯મા સુધારા) બિલ અને સંઘ શાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવા માટે લિસ્ટ કરવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી સુધારેલી યાદીમાં આ બિલોને સોમવારના એજન્ડામાં સમાવેશ નથી કરાયો. જોકે, લોકસભામાં અધ્યક્ષની મંજૂરી પછી સરકાર બિલને પૂરક લિસ્ટિંગના માધ્યમથી ગૃહમાં અંતિમ સમયે પણ રજૂ કરી શકે છે.
એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ હવે સોમવારે લોકસભામાં રજૂ થવાનું નથી ત્યારે બહુજન સમાજ પાર્ટી (બસપ)નાં વડાં માયાવતીએ રવિવારે આ બિલને સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં એક સાથે ચૂંટણી યોજાવાથી ખર્ચ ઓછો થશે અને જનહિતના કામો અટકશે નહીં. તેમણે અન્ય પક્ષોને પણ આ બિલને સમર્થન આપવા હાકલ કરી હતી.