Get The App

‘એક દેશ, એક ચૂંટણી’ બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર; 32 પક્ષો બિલના સમર્થનમાં, 15નો વિરોધ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
‘એક દેશ, એક ચૂંટણી’ બિલ સંસદમાં રજૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર; 32 પક્ષો બિલના સમર્થનમાં, 15નો વિરોધ 1 - image


One Nation, One Election : કેન્દ્ર સરકારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ સંસદમાં રજૂ કરવાની ફરી તૈયારીઓ કરી દીધી છે. મળતા અહેવાલો મુજબ સરકાર આ સત્ર અથવા આગામી સત્ર દરમિયાન આ વિધેયક રજૂ કરી શકે છે. વિધેયકને સંયુક્ત સંસદીય સમિતિ પાસે વિસ્તૃત ચર્ચા કરવા માટે મોકલવામાં આવી શકે છે. રામનાથ કોવિંદ સમિતિએ વિધેયક અંગે તૈયાર કરેલા રિપોર્ટને પહેલાં જ કેબિનેટની મંજૂરી મળી ચુકી છે.

બિલ અંગે તમામ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોને 

કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, આ વિધેયક પર સર્વસંમતિ મળે અને તમામ હિતધારકો સાથે વિગતવાર ચર્ચા થવી જોઈએ. JPC તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત તમામ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોને પણ બોલાવવામાં આવી શકે છે. દેશભરના બૌદ્ધિકો અને સામાન્ય લોકોના મંતવ્યો પણ લેવાશે. એક દેશ એક ચૂંટણીના ફાયદાઓ તેમજ તેનું સંચાલન કરવાની રીત પર વિસ્તારથી ચર્ચા કરાશે. સરકારને આશા છે કે, આ વિધેયક પર સર્વસંમતિ સધાઈ જશે.

32 પક્ષો બિલના સમર્થનમાં

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં બનાવાયેલી સમિતિએ ‘વન નેશન, વન ઈલેક્શન’ વિધેયક માટે 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો, જેમાંથી 32 પક્ષોએ એક દેશ, એક ચૂંટણી કરાવવા માટે સમર્થન આપ્યું છે, જ્યારે 15 પાર્ટીઓએ આ મુદ્દાનો વિરોધ કર્યો છે અને 15 પક્ષોએ કોઈ જવાબ આપ્યો નથી.

આ પણ વાંચો : જગદીપ ધનખડ વિરુદ્ધ રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, સપા-TMCએ આપ્યું સમર્થન

શું છે એક દેશ, એક ચૂંટણી   

‘એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.

PM મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત કરી હતી

દેશમાં છાશવારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ રહે છે. વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. વડાપ્રધાને આ વર્ષે 15 ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત કરી હતી. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. 

આ પણ વાંચો : 'તમે કબજો કરશો અને અમે બેસીને લોલીપોપ ખાતા રહીશું...', બાંગ્લાદેશ મુદ્દે મમતા બેનર્જીનું રૌદ્ર સ્વરૂપ

‘એક દેશ, એક ચૂંટણી’ના ફાયદા

1. ખર્ચમાં ઘટાડો : ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. અલગ-અલગ ચૂંટણીઓ કરાવવા માટે દર વખતે મોટી રકમ ખર્ચવામાં આવે છે. એક સમયે આખા દેશમાં ચૂંટણીઓ પતી જાય તો ખર્ચ પણ એક જ સમયે કરવાનો થાય. 

2. તંત્રનો બોજ ઘટશે : વારંવારની ચૂંટણી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ નાખે છે, કારણ કે તેમને દરેક વખતે ચૂંટણી ફરજ બજાવવાની હોય છે. ચૂંટણી કર્મચારીઓના રહેવા-ખાવાની, એમના આવાગમનની ઝંઝટ પણ એક વારમાં જ પતી જશે.

3. વિકાસના કામો પર ધ્યાન અપાશે : એકીસાથે ચૂંટણી પૂરી થઈ જાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પક્ષો વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે.

4. મતદારોની સંખ્યા વધશે : એક જ દિવસે ચૂંટણી યોજવાથી મતદારોની સંખ્યામાં પણ વધારો થશે, કારણ કે તેમને એવું નહીં લાગે કે ચૂંટણી તો વારેવારે આવતી જ રહે છે, આ નહીં તો આગામી ચૂંટણીમાં મત આપીશું. પાંચ વર્ષે એક જ વખત મત આપવાની તક મળતાં મતદારો એને એળે નહીં જવા દે અને તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં રસ દાખવશે.

‘એક દેશ, એક ચૂંટણી’ સામેના પડકાર

1. બંધારણીય ફેરફાર જરૂરી : ‘વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ’ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર બંધારણ અને કાયદામાં ફેરફારનો છે. બંધારણમાં સુધારો કર્યા પછી તેને રાજ્યની એસેમ્બલીઓમાં ‘પાસ’ કરાવવો પડશે. 

2. સરકાર ભંગ થઈ તો શું? : જો કોઈપણ કારણોસર લોકસભા કે પછી કોઈ રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવે તો પછી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વ્યવસ્થા કેવી રીતે જાળવવી? એક રાજ્યની સરકાર બરતરફ થાય એટલે તમામ રાજ્યોની સરકારો રદ કરીને ફરી આખા દેશમાં ચૂંટણીઓ તો ન યોજી શકાય ને?

3. સંસાધનોની કમી : આપણા દેશમાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે, જેની સંખ્યા મર્યાદિત છે. હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાતી હોવાથી જે સંસાધનો છે એટલામાં પહોંચી વળાય છે, પણ જો આખા દેશમાં એકીસાથે તમામ પ્રકારની ચૂંટણીઓ યોજાય તો ચૂંટણી માટે જરૂરી સંસાધનો ક્યાંથી લાવવા? વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓની કમી પણ સર્જાય, એનું શું કરવું?

આ પણ વાંચો : સીરિયામાં સત્તા પરિવર્તનથી ભારતને લાભ કે નુકસાન? જાણો ગૃહયુદ્ધમાં ફસાયેલા આ દેશને ભારત સાથે કેવા સંબંધ છે

રાજકીય પક્ષોમાં અસંમતિનું કારણ 

‘એક દેશ, એક ચૂંટણી’ માટે રાજકીય પક્ષોમાં સર્વસંમતિ સાધી શકાતી નથી, એનું મુખ્ય કારણ એ છે કે, રાજકીય પક્ષો એવું માને છે કે, આ પ્રકારે ચૂંટણીઓ યોજવાથી રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, પરંતુ પ્રાદેશિક પક્ષોને નુકસાન થશે. તેમનું કહેવું છે કે, ‘વન નેશન-વન ઈલેક્શન’ની વ્યવસ્થા કરવામાં આવશે તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે રાજ્ય સ્તરના મુદ્દાઓ ઢંકાઈ જશે, જેને લીધે રાજ્યોના વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે. આ કારણસર મોટાભાગના પ્રાદેશિક પક્ષો ‘વન નેશન-વન ઈલેક્શન’ માટે તૈયાર નથી.

આઝાદી પછી એક સાથે ચૂંટણીઓ થઈ હતી 

દેશ 1950માં પ્રજાસત્તાક બન્યો એ પછી 1951થી 1967 વચ્ચે દર પાંચ વર્ષે લોકસભાની સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. વર્ષ 1952, 1957, 1962 અને 1967માં આ રીતે એક સાથે ચૂંટણી યોજાઈ હતી. એ પછી કેટલાક રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું અને કેટલાક નવા રાજ્યો બનાવવામાં આવ્યા, જેના કારણે અલગ-અલગ સમયે ચૂંટણી યોજાવા લાગી. 

આ દેશોમાં એકસાથે ચૂંટણીઓ યોજાય છે

અમેરિકા, ફ્રાન્સ, સ્વીડન, કેનેડા, જાપાન, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ જેવા દેશોમાં વન નેશન-વન ઈલેક્શનની સિસ્ટમ અમલમાં છે. અમેરિકામાં પ્રમુખ, કોંગ્રેસ અને સેનેટ માટેની ચૂંટણી દર ચાર વર્ષે એક નિશ્ચિત તારીખે યોજાય છે. 


Google NewsGoogle News