VIDEO | જમ્મુ-કાશ્મીરમાં બરફનું તોફાન ત્રાટક્યું, એક પ્રવાસીનું મોત, પહાડી વિસ્તારોમાં અનેક ફસાયા
ગુલમર્ગમાં છેલ્લા ઘણાં દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો
Image : IANS |
Snow Storm in Gulmarg : જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું છે, જેના કારણે જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર ઘણા પ્રવાસીઓ ફસાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે.
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ચોથા દિવસે પણ બંધ રહ્યો
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગના બેક કન્ટ્રી વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો. જેના કારણે કેટલાક સ્કીઅર્સ ફસાયા છે. નોંધનીય છે કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જતાં મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા વાહનવ્યવહાર ફરીથી શરુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ગુલમર્ગમાં વિન્ટર ગેમ્સનો આજે બીજો દિવસ
હાલ ગુલમર્ગમાં વિન્ટર ગેમ્સનો આજે બીજો દિવસ છે અને ગુલમર્ગમાં વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. દેશ-વિદેશના ખેલાડીઓની સાથે સાથે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને પ્રવાસીઓ પણ અહીં પહોંચ્યા છે. આ દરમિયાન હિમસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે જ્યારે બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ બારામુલ્લા પોલીસ, 18RR, HAWS અને સ્થાનિક લોકોની ટીમ બચાવ કામગીરી કરી રહી છે.