એક દેશ એક ચુંટણી અંગે ૧૮૬૨૬ પેજનો અહેવાલ પૂર્વ રાષ્ટ્રપતિએ વર્તમાન રાષ્ટ્રપતિને સોંપ્યો
૧૯૧ દિવસની મહેનત પછી અહેવાલ તૈયાર કરાયો
૧૯૫૧-૫૨ અને ૧૯૬૭માં એક સાથે થયેલી ચુંટણીઓનો ઉલ્લેખ
નવી દિલ્હી,૧૪ માર્ચ,૨૦૨૪,ગુરુવાર
લોકસભા અને રાજયોની વિધાનસભા તેમજ નગર નિગમોની ચુંટણી એક સાથે થવી જોઇએ તેને લગતો અહેવાલ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા વર્તમાન રાષ્ટ્રપતિ દ્વોપદી મૂર્મુને સોંપવામાં આવ્યો હતો. એક રાષ્ટ્ર એક ચુંટણી અંગેનો ૧૮૬૨૬ પાનાનો આ અહેવાલ તૈયાર કરવામાં ૧૯૧ દિવસનો સમય લાગ્યો હતો જે નિષ્ણાતો, શુભેચ્છો અને સંશોધકોનો અભિપ્રાય લઇને તૈયાર થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ રિપોર્ટની માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી પરંતુ અહેવાલમાં એક સાથે ચુંટણી અંગે આર્થિક, પ્રશાસનિક અને વ્યહવારુ પાસાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર ૧૯૫૧-૫૨ અને ૧૯૬૭ દરમિયાન દેશમાં એક સાથે થયેલી ત્રણ ચુંટણીઓના ડેટાનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. એક સાથે ચુંટણી કરવાની પ્રક્રિયા કેટલીક રાજય સરકારો પોતાના કાર્યકાળ (ટર્મ) પહેલા જ પડી જવાથી બંધ થઇ ગઇ હતી.
કેટલીક રાજય સરકારોને રાજકિય કારણોસર બરખાસ્ત પણ કરવામાં આવી હતી. આવા સંજોગોમાં વચ્ચેથી જ નવેસર ચુંટણીઓ કરવાની ફરજ પડી હતી. કોવિંદના આગેવાની હેઠળની સમિતિમાં લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ સી કશ્યપ, વરિષ્ઠ અધિવકતા હરીશ સાલ્વે અને પૂર્વ મુખ્ય સતર્કતા આયુકત સંજય કોઠારી પણ સભ્ય છે. આ સમિતિ લોકસભાથી માંડીને નગરનિગમ સુધીની ચુંટણી એક સાથે યોજી શકવાની શકયતા પર કામ કરી રહી હતી. એક દેશ એક ચુંટણી અંગેની કોવિંદ સમિતિએ અમલ માટે સંવિધાનના અંતિમ પાંચ અનુચ્છેદોમાં સંશોધન ની ભલામણ કરી શકે છે.