જમ્મુ-કાશ્મીરમાં ફરી પરપ્રાંતીય પર હુમલો, ગોળીબારમાં એક ઈજાગ્રસ્ત, અઠવાડિયામાં ત્રીજી ઘટના
Target Killing in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર બિન-કાશ્મીરી લોકો પર હુમલાનો મામલો સામે આવ્યો છે. બટાગુંડ ત્રાલમાં થયેલા ગોળીબારમાં એક શખસ ઘાયલ થવાની ખબર સામે આવી છે. તેને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, કાશ્મીરમાં એક અઠવાડિયામાં આ પ્રકારનો ત્રીજો હુમલો કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં જમ્મુ-કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં એક શખસની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
એક અઠવાડિયામાં ત્રીજી ઘટના
જમ્મુ-કાશ્મીરમાં સંગઠિત આતંકવાદ ઓછો થયા બાદ ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગયા વર્ષે પણ આતંકવાદીઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં બિન-કાશ્મીરીઓની વીણી વીણીને હત્યા કરવામાં આવી હતી. અનંતનાગ, પુલવામા અને પુંછમાં ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓ સામે આવી હતી.
આ પહેલાં પણ કરવામાં આવી હતી હત્યા
આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપતા હબ્બા કદલ વિસ્તારમાં શિખ સંપ્રદાયના બે લોકોને AK રાઇફલથી ગોળી મારી દીધી હતી. અમૃતસરના રહેવાસી અમૃત પાલ અને રોહિતની આ હુમલામાં મોત થઈ ગઈ હતી. આ પહેલાં ફેબ્રુઆરી 2023ની સવારે આતંકવાદીઓએ પુલવામામાં એક કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરી દીધી હતી. વળી, મે 2023માં આતંકવાદીઓએ અનંતનાગના રહેવાસીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.