Get The App

કયા મહારાજાની જમીન પર બન્યું છે આલીશાન રાષ્ટ્રપતિ ભવન, જ્યાં દેશના વડાપ્રધાન શપથ લે છે?

જયપુરના મહારાજાએ આપી હતી જમીન, ભવનના નિર્માણ માટે તૈયાર કરાઈ હતી ખાસ રેલવે લાઈન

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
કયા મહારાજાની જમીન પર બન્યું છે આલીશાન રાષ્ટ્રપતિ ભવન, જ્યાં દેશના વડાપ્રધાન શપથ લે છે? 1 - image


Rashtrapati Bhavan built on land of Maharaja of Jaipur: નરેન્દ્ર મોદી આજે સાંજે ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે એ રાષ્ટ્રપતિ ભવન વિશે થોડું વિસ્તારથી જાણીએ જ્યાં પીએમ મોદી શપથ લેશે. આ ભવન કોની જમીન પર બન્યું અને કોણે બનાવડાવ્યું? ચાલો આજે તમને રાષ્ટ્રપતિ ભવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતોથી માહિતગાર કરાવીએ..

330 એકરમાં બનેલા રાષ્ટ્રપતિ ભવનનો દુનિયાની સૌથી ભવ્ય ઈમારતોમાં સમાવેશ થાય છે, તે પોતાની વાસ્તુકળા માટે પણ જાણીતું છે. વર્ષ 1911માં જ્યારે દિલ્હી દરબારમાં જ્યારે બ્રિટિશ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી શિફ્ટ કરવાની જાહેરાત થઈ, ત્યારે વાઈસરોય માટે નવા ઘરની શોધખોળ ચાલુ થઈ. બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે નવી રાજધાનીનો નકશો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી, લુટિયન્સ દિલ્હીની ટાઉન પ્લાનિંગ કમિટીના મેમ્બર પણ હતા. 

કેમ રાયસીનાના પહાડ પર બન્યું ભવન?

એડવિન લુટિયન્સ અને તેમની ટીમે સૌથી પહેલા દિલ્હીનું નિરીક્ષણ કર્યું. તેમને જાણવા મળ્યું કે જો દિલ્હીના ઉત્તરમાં વાઈસરોય હાઉસ બનાવવામાં આવશે તો ત્યાં હંમેશા પૂરનો ખતરો રહેશે, કારણ કે તે વિસ્તાર યમુના નદીથી ઘેરાયેલો હતો. એટલા માટે તેમણે દક્ષિણના રાયસીના હિલ્સવાળા વિસ્તારમાં વાઈસરોય હાઉસ બનાવવાનું વિચાર્યું. આ વિસ્તાર ખુલ્લો, હવાની અવરજવરવાળો અને ઊંચાઈ પર હતો, એટલે ભવિષ્યમાં ડ્રેનેજ અથવા તો ગટરની કોઈ મુશ્કેલી ઊભી થવાની કોઈ સંભાવના નહોતી.   

જયપુરના મહારાજાએ આપી જમીન

rashtrapatibhavan.gov.in પર આપેલી માહિતી મુજબ રાયસીના હિલ્સની જે જમીનને વાઈસરોય હાઉસ માટે પસંદ કરવામાં આવી, તે ત્યારે જયપુરના મહારાજાના કબ્જામાં હતી. એ સમય રાજા-રજાવાડાનો હતો. વાઈસરોય હાઉસ બનીને તૈયાર થઈ ગયું ત્યારે સૌથી આગળના ભાગમાં એક થાંભલો લગાવવામાં આવ્યો હતો, જેને 'જયપુર સ્તંભ' કહેવામાં આવે છે. તેને જયપુરના મહારાજા સવાઈ માધોસિંહે ભેટમાં આપ્યો હતો.

ભવનના નિર્માણ માટે ખાસ રેલવે લાઈન ઊભી કરાઈ

રાયસીના હિલ્સના જે શિખરને વાઈસરોય હાઉસ માટે પસંદ કરાયું, પહેલા તેને વિસ્ફોટકની મદદથી તોડવામાં આવ્યું. પછી તેની જમીન સમતળ કરવામાં આવી. પછી ત્યાં સુધી ઈંટ, પથ્થર, રોડા જેવો કાચો માલસામાન પહોંચાડવામાં માટે એક ખાસ રેલવે લાઈન ઉભી કરવામાં આવી. તત્કાલિન ગવર્નર જનરલ અને વાઈસરોય લોર્ડ હોર્ડિંગ ઈચ્છતા હતા કે ઈમારત 4 વર્ષમાં બની જાય, પણ તેને બનાવવામાં 17 વર્ષ કરતાં પણ વધુ સમય લાગ્યો. વર્ષ 1928ના અંતમાં છેવટે વાઈસરોય હાઉસ બનીને તૈયાર થયું. ગવર્નર જનરલ લોર્ડ ઈરવિન વાઈસરોય હાઉસમાં જનારા પહેલા વાઈસરોય બન્યા.

4 માળ અને 340 ઓરડા ધરાવતું ભવન

રાષ્ટ્રપતિ ભવન ચાર માળનું છે અને તેની અંદર નાના-મોટા થઈને કુલ 340 ઓરડા છે. રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ પર આપેલી જાણકારી મુજબ તે અંદાજfત 2 લાખ સ્ક્વેર ફૂટ જમીનમાં ફેલાયેલું છે. ભવનની ભવ્ય ઈમારતમાં 70 કરોડથી પણ વધુ ઈંટોનો વપરાશ થયેલો છે. કુલ 23000 જેટલા મજૂરોએ ભવનનું નિર્માણ કર્યું હતું, જેમાંથી 3000 તો માત્ર પથ્થર તોડનારા મજૂરો હતા.


Google NewsGoogle News