ઉજ્જૈનમાં રસ્તા પર જ રેપ, રોકવાના બદલે વિડીયો ઉતારાયો
- પોલીસે બળાત્કારીની ધરપકડ કરી
- મુખ્ય આરોપી લોકેશે મહિલાને પરાણે દારૂ પીવડાવીને તેના પર બળાત્કાર કર્યો હતો
ઉજ્જૈન : મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રસ્તા પર થયેલા રેપ કાંડના લીધે હડકંપ મચી ગયો છે. આ રેપનો વિડીયો વાઇરલ થયા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેની સાથે પોલીસ હવે તેવા લોકો પર પણ પગલાં લઈ રહી છે જેમણે આ બળાત્કાર થતાં જોયો અને તેનો વિડીયો બનાવ્યો, પરંતુ કશું ન કર્યું.
આ ત્રણથી ચાર લોકો મહિલાને બચાવવાના બદલે બળાત્કારનો વિડીયો બનાવતા રહ્યા. પોલીસે આ શંકાસ્પદોની ઓળખ કરી છે. હવે તેની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી.
ઉજ્જૈનના આગર નગર વિસ્તારમાં એક મહિલાને દારુ પીવાની ફરજ પાડયા પછી એક વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો. પોલીસે જણાવ્યું હતું કે બળાત્કારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી આ ઘટના સામે આવી. તેના પછી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ઉજ્જૈન રેપકાંડ પછી મધ્યપ્રદેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને વિપક્ષ સરકાર પર આક્રમક પ્રહારો કરી રહ્યું છે.
પોલીસ વડા ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે અમે ત્રણથી ચાર શંકાસ્પદોની ઓળખ કરી છે, જેમણે આ ઘટનાનો વિડીયો બનાવ્યો અને વાઇરલ કર્યો.
અમારી વિગતો મુજબ તે બધા જુદા-જુદા સ્થાને છે અને પોલીસ તેમને પકડવામાં લાગેલી છે. પીડિતાની હાલત હાલમાં સ્થિર છે અને તે પોતાના ઘરે છે.
કેસના મુખ્ય આરોપી લોકેશે મહિલાને લગ્નનું વચન આપ્યું હતું. બુધવારે તેણે મહિલાને પરાણે દારૂ પીવડાવ્યો હતો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. કેટલાક લોકો ત્યાંથી જઈ રહ્યા હતા અને તેમણે ગુનાને રોકવાના બદલે તેનો વિડીયો બનાવ્યો હતો. પછી લોકેશ ભાગી ગયો હતો. મહિલાએ ફરિયાદ નોંધાવતા લોકેશની ધરપકડ થઈ હતી.