Get The App

'સસ્તી પબ્લિસિટી માટે વિવાદ ઊભો કર્યો...' અજમેર વિવાદમાં દરગાહના પ્રમુખનું મોટું નિવેદન

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
'સસ્તી પબ્લિસિટી માટે વિવાદ ઊભો કર્યો...' અજમેર વિવાદમાં દરગાહના પ્રમુખનું મોટું નિવેદન 1 - image


Ajmer Sharif Dargah: સંભલની જામા મસ્જિદને લઈને ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે હવે રાજસ્થાનની અજમેર શરીફ દરગાહને લઈને વિવાદ ઉભો થયો છે. અજમેરની સ્થાનિક કોર્ટમાં હિંદુ સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સુનાવણી માટે સ્વીકારવામાં આવ્યા બાદ મુસ્લિમ પક્ષે સરકાર પાસે માંગ કરી છે કે દરેક મસ્જિદમાં મંદિર શોધવાની આ નવી પ્રથા બંધ કરવામાં આવે. 

850 વર્ષ જૂની દરગાહને 100 વર્ષ જૂના પુસ્તક દ્વારા નકારી શકાય નહી: નસીરુદ્દીન ચિશ્તી 

અખિલ ભારતીય સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર શરીફ દરગાહના ઉત્તરાધિકારી સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે દરગાહ 850 વર્ષ જૂની છે અને તેને 100 વર્ષ જૂના પુસ્તક દ્વારા નકારી શકાય નહીં.

ચિશ્તીએ કહ્યું કે, 'કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી છે, એક દરગાહ કમિટી, ASI અને ત્રીજું લઘુમતી બાબતોનું મંત્રાલય છે. હું ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો વંશજ છું, પરંતુ મને આમાં પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. તેમ છતાં, આ આપણા વડીલો સાથે સંબંધિત દરગાહની વાત છે. અમે આના પર નજર રાખી રહ્યા છીએ. અમે અમારી કાનૂની ટીમના સંપર્કમાં છીએ, અમે તેમની સલાહ મુજબ જે પણ કાયદાકીય પગલાં ભરવાની જરૂર પડશે તે કરીશું. આ એક ન્યાયિક પ્રક્રિયા છે, કોઈપણને કોર્ટમાં જવાનો અધિકાર છે. અરજીઓ સાંભળવામાં આવે છે અને કોર્ટમાં નામંજૂર પણ થાય છે.'

સસ્તી પબ્લિસિટી માટે લોકો એવા પગલા ભરે છે 

સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે, 'દેશમાં એક નવી પરંપરા સર્જાઈ રહી છે કે દરરોજ કોઈને કોઈ મસ્જિદમાં તો ક્યારેક કોઈ દરગાહમાં મંદિરનો દાવો કરવામાં આવે છે. આ આપણા દેશના હિતમાં નથી. આજે ભારત વૈશ્વિક શક્તિ બનવા જઈ રહ્યું છે, ક્યાં સુધી આપણે મંદિર-મસ્જિદ વિવાદમાં ફસાયેલા રહીશું. મંદિર-મસ્જિદનો વિવાદ આપણે આવનારી પેઢી માટે કયો છોડીને જઈશું? સસ્તી લોકપ્રિયતા માટે લોકો એવા પગલા ભરે છે જેનાથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે. અજમેર દરગાહ સાથે દુનિયાભરના મુસ્લિમો, હિન્દુઓ, શીખો, ઈસાઈઓ જોડાયેલા છે, અહીં દરેકની આસ્થા જોડાયેલી છે.'

આ પણ વાંચો: ટ્રાયલ કોર્ટ કોઈ કાર્યવાહી ના કરે, સંભલમાં શાંતિ જોઈએ : જામા મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટ

અજમેરનો ઈતિહાસ 850 વર્ષ જૂનો છે 

દરગાહના ઈતિહાસનો ઉલ્લેખ કરતા ચિશ્તીએ કહ્યું કે, 'અજમેરનો ઈતિહાસ 850 વર્ષ જૂનો છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી 1195માં હિન્દુસ્તાન આવ્યા અને 1236માં મૃત્યુ પામ્યા. ત્યારથી દરગાહ અહીં જ છે. આ 850 વર્ષોમાં અહીં ઘણા રાજાઓ અને રાજકુમારો, મુઘલો, અંગ્રેજો આવ્યા, દરેકની આસ્થા આ સ્થાન સાથે જોડાયેલી છે. બધાએ પોતપોતાની શ્રદ્ધા મુજબ કંઇક ને કંઇક આપ્યું છે. જયપુરના મહારાજા દ્વારા અહીં ચાંદીની વાટકી અર્પણ કરવામાં આવી હતી. આ દરગાહ પ્રેમ અને શાંતિનો સંદેશ આપે છે. આ કામ સમાજને વિભાજીત કરવા અને દેશને તોડવા માટે કરવામાં આવી રહ્યું છે. જેના લીધે દેશના કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે.'

નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે જ્યાં સુધી અજમેર દરગાહનો સંબંધ છે, ખ્વાજા દરગાહ સાહેબ એક્ટ બનતા પહેલા 1955માં તેના પર એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના તત્કાલિન ન્યાયાધીશ જસ્ટિસ ગુલામ હસને ઊંડી તપાસ કરી હતી. તેમાં કોઈ મંદિર કે અન્ય ધાર્મિક સ્થળનો ઉલ્લેખ નથી. 

ગરીબ નવાઝ પર ઘણા બિન-મુસ્લિમ લેખકોએ પણ પુસ્તકો લખ્યા છે, તેમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી. વાદીએ 1019માં હરબિલાસ શારદાજીના પુસ્તકના આધારે દાવો કર્યો છે કે તે ઈતિહાસકાર નથી. તેમના પુસ્તકમાં જે લખ્યું છે તે ક્યાંય પુરવાર થતું નથી, 850 વર્ષ જૂનો ઈતિહાસ 100 વર્ષ જૂનો પુસ્તક ભૂંસી શકતો નથી.

'સસ્તી પબ્લિસિટી માટે વિવાદ ઊભો કર્યો...' અજમેર વિવાદમાં દરગાહના પ્રમુખનું મોટું નિવેદન 2 - image


Google NewsGoogle News