ખેડૂતો સાથે વાતચીત માટે કેન્દ્ર સરકાર તૈયાર, અનિલ વીજે કહ્યું- 'ખેડૂતો દિલ્હીને હચમચાવવા માંગે છે'

આજે આંદોલનના બીજા દિવસે પણ ઉગ્ર સ્થિતિ જોવા મળી હતી

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
ખેડૂતો સાથે વાતચીત માટે કેન્દ્ર સરકાર તૈયાર, અનિલ વીજે કહ્યું- 'ખેડૂતો દિલ્હીને હચમચાવવા માંગે છે' 1 - image
Image : IANS

Farmers Protest : ટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે  25 હજારથી વધુ ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે ત્યારે આજે આંદોલનના બીજા દિવસે પણ ઉગ્ર સ્થિતિ જોવા મળી હતી અને દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોને રોકવા માટે આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો.

ખેડૂતો સાથે વાતચીત માટે કેન્દ્ર સરકાર તૈયાર

MSP સહિતના તમામ મુદ્દાઓને લઈને દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોની સાથે વાતચીત માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. સરકાર ખેડૂતો તરફથી વાતચીતના પ્રસ્તાવની રાહ જોઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના વરિષ્ઠ મંત્રી સતત આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા સોમવારે ખેડૂતો અને સરકારના મંત્રીઓ વચ્ચે ચંદીગઢમાં વાતચીત થઈ હતી. જોકે, તે નિષ્ફળ નીવડી હતી. ત્યારે, કેન્દ્રીય મંત્રી ત્યાં બેઠેલા રહ્યા હતા, પરંતુ ખેડૂતો ઉભા થઈને ચાલ્યા ગયા હતા.

દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવાઈ

આ ઉપરાંત ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે મંગળવારે ફરીથી વાટાઘાટો થઈ પરંતુ તે કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નથી. આજે ફરીથી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં  દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. આ સિવાય સરહદો પર આરએએફ, અર્ધલશ્કરી દળ, એન્ટી રાઈટ વ્હીકલ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વાહનોની તપાસ કરી રહી છે. ટ્રાફિક જામથી લોકોને બચાવવા માટે પોલીસે એડવાઈઝરી જારી કરી છે.

રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાત કરી હતી

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ મોડી રાત્રે શંભુ બોર્ડર પર ઈજાગ્રસ્ત ખેડૂતોની હાલત પૂછવા માટે રાજપુરાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ઈજાગ્રસ્ત ખેડૂતોને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરાવી હતી. રાહુલ ગાંધીએ ખેડૂતો પાસેથી તેમની ઈજાઓ વિશે જાણ્યું હતું.

ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ

પટિયાલા ડીસીએ અંબાલા ડીસીને પંજાબના વિસ્તારમાં ડ્રોન ન મોકલવા માટે પત્ર લખ્યો છે. તેણે આ અંગે અંબાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને પણ જાણ કરી છે. હવે સરહદ પર ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ખેડૂત આંદોલનને લઈને 10 મોટી અપડેટ

16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન

 ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ બલબીર સિંહ રાજેવાલના નેતૃત્વમાં 37 ખેડૂત સંગઠન આજે જાલંધરમાં કરશે બેઠક

 ખેડૂતોના મુદ્દા પર કેટલીક વાતો પર સહમતિ બની, કેટલીક વાતો પર ચર્ચા માટે અમે તૈયારઃ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા

 દિલ્હીની ટિકરી બોર્ડર, સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારાઈ

 હરિયાણાના 7 જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજ સેવા પર 15 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ

 અમારું પ્રદર્શન શરૂ રહેશે, સરકાર અમને રસ્તો આપે, અમે પ્રયાસ કરીશું કે હિંસક રસ્તાથી બચી શકાયઃ  ખેડૂત નેતા સરવન સિંહ

 સરકાર ખેડૂતોના મુદ્દે સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે, ઘણી બધી માંગ માની લેવાઈ છે, કેટલીક માંગ વિચિત્ર છેઃ ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી

 સરકાર વાતચીત કરવા માંગે છે, પરંતુ ચંદીગઢમાં ખેડૂતો નેતાઓએ તેમની સાથે વાત કરવાનો કર્યો ઈન્કાર. ખેડૂત નેતા દિલ્હીમાં શા માટે વાત કરવા માંગે છે. ખેડૂતો દિલ્હીને હચમચાવવા માંગે છે : હરિયાણાના મંત્રી અનિલ વિજ

 રસ્તો બંધ કરવાથી કોઈ ઉકેલ નહીં આવે.  કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર

 ખેડૂતો સાથે વાતચીત માટે કેન્દ્ર સરકાર તૈયાર, ખેડૂત સંગઠનોના પ્રસ્તાવની રાહ

ખેડૂતો સાથે વાતચીત માટે કેન્દ્ર સરકાર તૈયાર, અનિલ વીજે કહ્યું- 'ખેડૂતો દિલ્હીને હચમચાવવા માંગે છે' 2 - image


Google NewsGoogle News