VIDEO: દરભંગામાં ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, અનેક ઘાયલ, હથિયારો પણ છીનવવાનો પ્રયાસ
Attack On Police Team In Darbhanga : બિહારના દરભંગા જિલ્લામાં લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભંડા ગામમાં આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસની ટીમ પર એક ટોળાએ હુમલો કર્યો હતો. આ સાથે ટોળામાંથી કેટલાક શખસોએ પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે પોલીસના હથિયાર છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલામાં અનેક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા, તેમને સારવાર અર્થે દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલ (DMCH)માં ખસેડવામાં આવ્યા હતા.
દરભંગામાં પોલીસ ટીમ પર પથ્થર મારો
દરભંગા જિલ્લામાં લહેરિયાસરાય પોલીસે જિતેન્દ્ર નામના આરોપીને કોર્ટના આદેશ પર ધરપકડ કરવા માટે અભંડા ગામ પહોંચી હતી. જ્યારે પોલીસ આરોપીની ધરપકડ કરી તો ગામના લોકો ઉગ્ર થઈ ગયા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં કેટલાક શખસોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરતા અફરા-તફરી મચી ગઈ હતી.
પોલીસકર્મીઓ પર હુમલો થયાની સમગ્ર ઘટના અંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ પછી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે દરભંગાથી સિટી એસપી અશોક કુમાર સહિતના અધિકારીઓ અને ભારી પોલીસ કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો. ઘટના બાદ પોલીસે વિસ્તારમાં કડકાઈ વધારી દીધી હતી. આ સાથે આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કાશ્મીરના બાંદીપોરામાં સૈન્ય જવાનોથી ભરેલી ટ્રક ખીણમાં ખાબકી, 4 જવાન શહીદ, 3 ઘાયલ
સમગ્ર ઘટના મામલે પોલીસ અધિકારીએ કહ્યું કે, 'આ પ્રકારની હિંસા બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં અને પોલીસ પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીઓને ડીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વહીવટીતંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.'