ઈન્ડિ ગઠબંધનના બે પક્ષોએ કોંગ્રેસનું વધાર્યું ટેન્શન! EVM ગડબડીના આરોપો ફગાવી આપ્યું મોટું નિવેદન
INDIA Alliance : ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલી કોંગ્રેસ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ગડબીનો આક્ષેપ કરીને ભારે મુશ્કેલીમાં મુકાઈ છે. ગઠબંધનના સાથી પક્ષોએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી હોય તેમ જાહેરમાં તેના નેતૃત્વ અને EVMના દાવા પર નિવેદન આપી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ EVMમાં ગડબડીના કોંગ્રેસના દાવાને ફગાવ્યા હતા, જેને હવે હવે તૃણમૂલ કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. ટીએમસીના સાંસદે કોંગ્રેસના દાવાને ફગાવવાની સાથે ‘ઈન્ડિ ગઠબંધન’ના નેતૃત્વ અંગે પણ નિવેદન આપી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષોની શરમજનક હાર થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગ કરી રહી છે.
‘... તો ચૂંટણી પંચ પાસે જઈને ડેમો દેખાડવો જોઈએ’ : ટીએમસી સાંસદ
ટીએમસીના સાંસદ અભિષેક બેનરજીએ સોમવારે સંસદ ભવન પરિસરમાં કહ્યું કે, ‘જે લોકો ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જો તેમની પાસે કોઈ પુરાવા હોય તો ચૂંટણી પંચ પાસે જઈને ડેમો દેખાડવો જોઈએ. જો ઈવીએમ રેન્ડમાઈઝેશન વખતે યોગ્ય રીતે કામ થયું હોય અને બૂથ પર કામ કરતા લોકો મોક પોલ અને મતગણતરી દરમિયાન ચેક કરે તો મને નથી લાગતું કે આ આરોપમાં કોઈ દમ છે. જો તેમ છતાં કોઈને લાગતું હોય કે ઈવીએમ હેક થઈ શકે છે, તો તેમણે ચૂંટણી પંચને મળવું જોઈએ અને દેખાડવું જોઈએ કે, ઈવીએમ કેવી રીતે હેત થઈ શકે છે. માત્ર અર્થહીન નિવેદનો કરવાથી કંઈ થઈ શકતું નથી.’
ચૂંટણીમાં હારનો દોષ EVM પર ન નાખવો જોઈએ : ઓમર અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (Jammu and Kashmir CM Omar Abdullah)એ ગઈકાલે ઈવીએમમાં ગડબડીના આક્ષેપોને ફગાવ્યા હતા, જેના એક દિવસ બાદ ટીએમસીએ આ નિવેદન આપ્યું છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ‘જ્યારે તમે જીતો છો તો ચૂંટણી પરિણામોનો સ્વિકાર કરો છો અને જ્યારે તમે હારો છો તો ઈવીએમને દોષ આપો છો. જ્યારે ઈવીએમથી તમારા 100 સાંસદો જીતે છે, ત્યારે તમે તમારી પાર્ટીની જીતની ઉજવણી કરો છો. તો પછી તમે થોડા મહિનાઓ બાદ એવું ન કહી શકો કે, અમને ઈવીએમ પસંદ નથી. કારણ કે હવે આપણે ઈચ્છીએ છીએ, તેમ ચૂંટણી પરિણામો આવતા નથી.’
TMC એવી પાર્ટી છે, જેમાં BJPમાંથી લોકો આવે છે : અભિષેક બેનરજી
કેટલાક વિપક્ષી નેતાઓએ સૂચન આપ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનરજીએ કરવું જોઈએ. જેના પર અભિષેક બેનરજી (Abhishek Banerjee)એ કહ્યું કે, ‘ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતા બેઠક યોજશે અને આ મુદ્દે ચર્ચા કરશે. તેઓ (મમતા) વરિષ્ઠ નેતાઓમાંથી એક છે. તેમણે મુખ્યમંત્રી તરીકે ત્રણ-ત્રણ વખત કાર્યકાળ સંભાળ્યો છે અને તેઓ અગાઉ કેન્દ્રીય મંત્રી પણ હતા. તેથી આ મુદ્દે વિગતવાર ચર્ચા થવી જોઈએ. કોઈ પણ પક્ષને નાનો ન સમજવો જોઈએ. ગઠબંધનની સાથી ટીએમસી એક માત્ર એવી પાર્ટી છે, જેણે ભાજપની સાથે કોંગ્રેસને પણ હરાવી છે. તેના પરથી ટીએમસીની તાકાતનો અંદાજ લગાવી શકાય છે. લોકો પાર્ટી છોડીને ભાજપમાં જાય છે, પરંતુ ટીએમસી એક માત્ર એવી પાર્ટી છે, જેમાં લોકો ભાજપ છોડીને આવી છે.’