2001ની 13મી ડિસેમ્બરે સંસદ ઉપર કરાયેલા આતંકી હુમલામાં 9 લોકોનાં મોત થયા હતા

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
2001ની 13મી ડિસેમ્બરે સંસદ ઉપર કરાયેલા આતંકી હુમલામાં 9 લોકોનાં મોત થયા હતા 1 - image


- 22 વર્ષ પહેલાં લોકશાહીનો મુગટ રક્તરંજિત થઈ ગયો હતો

- પાંચ આતંકીઓને ઠાર મરાયા હતા અને હુમલાના સૂત્રધાર અફઝલ ગુરુને ઝડપીને લાંબા સમય બાદ ફાંસી અપાઈ હતી

- અડવાણી, મહાજન જેવા મોટા નેતાઓ, સાંસદો સહિત 100 લોકો સંસદમાં હાજર હતા

નવીદિલ્હી : લોકશાહીની પાઘડી ગણાતું સંસદભવન ફરી એક વખત રક્તરંજિત થતા બચી ગયું છે. વર્ષ ૨૦૦૧માં સંસદ ભવન ઉપર થયેલા હુમલાની ૨૨મી વરસીએ ફરી એક વખત સંસદ ઉપર હુમલાનો પ્રયાસ કરાયો હતો. બે યુવકો દ્વારા સંસદમાં સ્મોક બોમ્બ ફોડાયો હતો. બંને ઝડપાઈ ગયા હતા. તમામ સાંસદો સુરક્ષિત રહ્યા હતા છતાં ફરી એક વખત સંસદની સુરક્ષા વ્યવસ્થા સામે આંગળી ચિંધાઈ છે. બરાબર ૨૨ વર્ષ પહેલાં સંસદ ઉપર આતંકી હુમલો થયો હતો જેણે સંસદભવનને યુદ્ધનું સમરાંગણ બનાવી દીધું હતું. આ ઘટનામાં ૯ લોકોનાં મોત થયા હતા, ૧૭ લોકોને ઈજા થઈ હતી. આ ઉપરાંત પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 

આ હુમલાના માસ્ટરમાઈન્ડ અફઝલ ગુરુને પણ પાછળથી ઝડપી પડાયો હતો અને લાંબી કાયદાકીય કામગીરીના અંતે તેને ફાંસી આપવામાં આવી હતી. વીવીઆઈપી સુરક્ષા ધરાવતા ક્ષેત્રમાં જ આવા જીવલણે હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

સવારે ૧૧:૩૦ કલાકે સફેદ એમ્બેસેડર સંસદમાં ઘુસી આવી 

૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ સંસદનું શિયાળું સત્ર ચાલતું હતું. મહિલા અનામલ બિલ ઉપર તે સમયે ચર્ચા શરૂ જ કરવામાં આવી હતી. આ સમયે રાજ્યસભા અને લોકસભામાં બિલ મુદ્દે મોટાપાયે હોબાળો કરાયો અને સંસદના બંને ગૃહોની કામગીરી ઠપ થઈ ગઈ. તેના પગલે સમગ્ર દિવસની કામગીરી ઠપ થવાની જાહેરાત કરાઈ. આ જાહેરાત થતાની સાથે જ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને કેટલાક સિનિયર મંત્રીઓ તથા વિપક્ષના નેતા સોનિયા ગાંધી અને અન્ય પક્ષોના દિગ્ગજ સાંસદો ભવન છોડીને ચાલ્યા ગયા હતા. તે સમયે લાલકૃષ્ણ અડવાણી, પ્રમોદ મહાજન અને કેટલાક મંત્રીઓ, સાંસદો અને પત્રકારો સહિત ૧૦૦ વીઆઈપી લોકો સંસદમાં હાજર હતા. આ દરમિયાન ૧૧:૩૦ કલાકે એક સફેદ એમ્બેસેડર સંસદના ૧૨ નંબરના ગેટ ઉપરથી ઘુસી આવી. આ ગાડી ઉપર ગૃહમંત્રાલયનું બનાવટી સ્ટિકર હતું અને ગાડીમાં હથિયારોનો જથ્થો તથા પાંચ આતંકવાદીઓ સવાર હતા. સુરક્ષા તોડીને ધસી આવેલા આતંકીઓ દ્વારા ગાડી સંસદમાં ઘુસાડવામાં આવી. તે સમયે ઉપરાષ્ટ્રપતિ સંસદભવન બહાર જવા સજ્જ થયા હતા અને તેમની ગાડી નીચે ગોઠવાઈ હતી. આતંકીઓની ગાડી તેની સાથે ભટકાઈ ગઈ. 

નિ:શસ્ત્ર સુરક્ષા જવાનો ઉપર ફાયરિંગ શરૂ કરી દેવાયું

આતંકીઓએ ગાડીમાંથી ઉતરીને ફાયરિંગ શરૂ કરી દીધું. તેમનો પીછો કરીને દોડતા આવેલા સુરક્ષા જવાનો પાસે હથિયારો નહોતા અને તેમના ઉપર ગોળીબાર શરૂ થઈ ગયો. ફાયરિંગ થતાં જ સીઆરપીએફના જવાનો સજ્જ થઈ ગયા અને કાઉન્ટર સ્ટ્રાઈક શરૂ કરી દીધી. સંસદના તમામ દરવાજા બંધ કરી દેવાયા અને વીઆઈપીઓને સંસદ ભવનમાં અંદર જ બંધ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા. તકનો લાભ લઈને એક આતંકી ગેટ નંબર-૧થી સંસદમાં ઘુસવા જતો હતો પણ તેને ઠાર મારવામા આવ્યો. આ આતંકીના શરીરે બોમ્બ લાગેલા હતા જે ગોળીઓ વાગવાથી ફૂટયા હતા. તેના કારણો મોટો વિસ્ફોટ થયો હતો. બાકીના ચાર આતંકીઓ ગેટ નંબર-૪માં ઘુસવા જતા હતા. તેના કારણે ત્યાં સામસામે ફાયરિંગ શરૂ થઈ ગયું. ત્રણ આતંકીઓને ત્યારે જ ઠાર કરાયા પણ ચોથો આતંકી ફાયરિંગ કરતો રહ્યો હતો. સાંજે ચાર વાગ્યા સુધી સામસામે ફાયરિંગ ચાલ્યું અને અંતે ચારેય આતંકીને ઠાર મરાયા. આ દુર્ઘટનામાં ૯ લોકોનાં મોત થયા હતા અને ૧૭ લોકોને ઈજા થઈ હતી. આ ઘટનાના સુત્રધાર જૈશ-એ-મોહમ્મદના આતંકી અફઝલને પકડવામાં આવ્યો પણ તેની સામે વર્ષો સુધી કેસ ચાલ્યો અને ફેબુ્રઆરી ૨૦૧૩માં તેને ફાંસી આપવામાં આવી.


Google NewsGoogle News