'અરવિંદ કેજરીવાલ પર હુમલો', દિલ્હીના CM આતિશીએ શેર કરી તસવીર, ભાજપે આરોપ ફગાવ્યો
Attack on Arvind Kejriwal : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેઓ આજે વિકાસપુરીમાં પદયાત્રા કરી રહ્યા હતા, ત્યારે આ હુમલો કરવાનો પ્રયાસ કરાયો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, આ હુમલો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. AAPએ પોલીસ પર પણ આક્ષેપ કર્યો છે કે, કેજરીવાલ હુમલો કરવામાં આવ્યો ત્યારે દિલ્હી પોલીસે ભાજપના ગુંડાઓને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો. આ દરમિયાન દિલ્હીના CM આતિશીએ આરોપીની તસવીર જાહેર કરી છે. જો કે, ભાજપે આપનો આરોપ ફગાવી દીધો છે.
આરોપી ભાજપનો બદમાશ છેઃ આતિશી
દિલ્હીના સીએમ આતીશીએ આપના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરનારા શખસની તસવીર જાહેર કરી છે. સીએમે જે શખસની તસવીર જાહેર કરી છે સોશિયલ મીડિયા પર તેનું નામ રોહીત સેહરાવત છે અને તેણે પોતાના નામની આગળ ભાજપ લખેલું છે. આ અંગે મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, 'જે વ્યક્તિએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો તે ભાજપનો બદમાશ છે.'
કેજરીવાલ પર હુમલો ચિંતાજનક : સિસોદિયા
આપના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેજરીવાલ પર થયેલો હુમલો ખૂબ જ નિંદનીય અને ચિંતાજનક છે. એ સ્પષ્ટ છે કે, આ હુમલો ભાજપે પોતાના ગુંડાઓ દ્વારા કરાવ્યો છે. જો કેજરીવાલને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાજપની રહેશે. અમે ડરવાના નથી. આમ આદમી પાર્ટી પોતાના મિશન પર અડગ રહેશે.
સૌરભ ભારદ્વાજનો ભાજપ પર આક્ષેપ
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, વિકાસપુરી પદયાત્રા દરમિયાન ભાજપ સાથે સંકળાયેલા લોકોએ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. ઈડી અને સીબીઆઈ અને જેલમાં પણ વાત ન બની તો હવે ભાજપવાળાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ કરાવી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ પણ થશે તો, તેની જવાબદાર ભાજપ હશે.
ભાજપે શું કહ્યું?
દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આ મામલે જવાબ આપતા કહ્યું કે, 'જનતા સવાલ પૂછે છે તો કેજરીવાલ પરેશાન કેમ થઇ જાય છે? આજે વિકાસપુરીમાં ત્યાંની સ્થાનીય જનતાએ જામીન પર બહાર આવેલા કેજરીવાલથી ગંદા પાણીની ફરિયાદ કરી હતી. તેના પર કેજરીવાલ ગુસ્સે થઇ ગયા હતા. જનતા જ્યારે તમને સવાલ પૂછે છે તો આપ તેને ભાજપનું હુમલો બતાવે છે. આપએ દિલ્હીમાં રોડ, વીજળી અને પાણીના નામે લોકોની સાથે દગો કર્યો છે.'
આ પણ વાંચો: ગુજરાતનો ઉલ્લેખ કરી કેજરીવાલ પર ભડક્યું ભાજપ, કહ્યું- ‘તેમણે 10 વખત માફી માગી છતાં...’