કાશ્મીરમાં ચૂંટણી આવી એટલે ખોખલા વચનો નહીં, પાંચ વર્ષનો રોડમેપ... નેશનલ કોન્ફરન્સે જાહેર કર્યો મેનિફેસ્ટો

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
Omar Abdullah



Jammu-Kashmir Election: જમ્મુ-કાશ્મીરમાં આગામી ચુંટણી અંગે નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાહે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ પક્ષનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિ બનાવવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાર્ટી કયા મુદ્દાઓ પર વોટ માંગશે એ સુનિશ્ચિત કરવાનું હતું. આ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે પ્રજા પાસેથી અભિપ્રાય પણ માંગવામાં આવ્યા હતા. નેશનલ કોન્ફરન્સે તેના મેનિફેસ્ટોમાં સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્ર, વિજળી, પાણી અને યુવાઓને રોજગાર જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કર્યો છે.

મેનિફેસ્ટો આગામી પાંચ વર્ષનો રોડમેપ

ઉમર અબ્દુલ્લાહે જણાવ્યું કે, મેનિફેસ્ટો તૈયાર કરવા અમે સામાન્ય નાગરીકો પાસેથી પણ અભિપ્રાય માંગ્યા હતા, જેના જવાબમાં અમને સમગ્ર રાજ્યમાંથી પ્રતિક્રિયા મળી હતી. અમે દરેક સંદેશ અને મેલને વાંચીને તમામ મહત્ત્વપૂર્ણ અભિપ્રાયોને મેનિફેસ્ટોમાં સામેલ કર્યો છે. આ મેનિફેસ્ટો માત્ર ચૂંટણી સમયના વચનો સુધી સિમિત નથી, પરંતુ આ આગામી પાંચ વર્ષના શાસનનું એક રોડમેપ છે. અમે ફક્ત એ જ વચનો આપ્યા છે, જે અમે પૂરા કરી શકીએ છીએ.

નેશનલ કોન્ફરન્સે મેનિફેસ્ટોમાં કયા કયા વચનો આપ્યા?

સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધારો કરવાનો વચન

નેશનલ કોન્ફરન્સે રાજ્યમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો કરવા રાજ્ય માટે એક વ્યાપક સ્વાસ્થ્ય નીતિ બનાવવી; કેન્સર, હૃદય અને કિડનીના ગંભીર રોગો માટે મેડિકલ ટ્રસ્ટ બનાવવું, મેડિકલ ટ્રસ્ટને પ્રતિ વર્ષ 5 લાખ રુપિયાનો મફત વિમા કવર આપવું, આધુનિક કેન્સર હોસ્પિટલો બનાવવી, દરેક ગામમાં પ્રાથમિક સ્વાસ્થ્યની સારવાર માટે ક્લિનિક બનાવવા જેવા વચનો આપ્યા છે.

આ પણ વાંચોઃ મહેબૂબા મુફ્તીની પુત્રીનું પોલિટિકલ ડેબ્યૂ, કાશ્મીરની ચૂંટણીમાં પીડીપીએ જાહેર કરી 8 ઉમેદવારની પહેલી યાદી

કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા

કૃષિ ક્ષેત્ર અને બાગાયતી ખેતીને મજબુત બનાવવા કેન્દ્ર સરકાર સાથે મળીને સફરજનની આયાત પર પ્રતિબંધ લગાવવા, આયાત કરેલા સફરજનોની ન્યૂનતમ મૂલ્યાંકન કિંમત વધારવી જેથી રાજ્યના ખેડૂતોને સુરક્ષા પૂરી પાડી શકાય, કેસર ઉત્પાદનની સુરક્ષા અને જાળવણી માટે ઉચ્ચ સ્તરીય કમિટિ બનાવવી, બાગાયતી ખેત ઉત્પાદનોને જીએસટી મુક્ત કરવા પ્રયાસો કરવા, ખેડૂતોના દેવા પર વ્યાજ માફી જેવા વચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિજળી અને પાણીના સંકટથી રાહત

મેનિફેસ્ટોમાં નેશનલ કોન્ફરન્સે 200 યુનિટ મફત વીજળી આપવી, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાકી વીજ બીલ માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાગુ કરવી, ઉદ્યોગોની માંગને પહોંચી વળવા માટે વીજળીના ચાર્જમાં રાહત આપવાના માર્ગો શોધવા, દરેક ઘરને મફત પીવાનું પાણી આપવું, જમ્મુ અને કાશ્મીરના દુર્ગમ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવો, જલ જીવન મિશન હેઠળ મળેલા ભંડોળનો યોગ્ય ઉપયોગ કરવો, ઘરેલું વીજ પુરવઠો વધારવા માટે ફ્રી પાવર રેશિયો વર્તમાન 10 ટકાથી વધારીને 40 ટકા કરવાનો પ્રયાસ કરવા અંગેના વચના આપ્યા છે.

યુવાનો માટે વ્યાપક રોજગાર પેકેજ

નેશનલ કોન્ફરન્સના મેનિફેસ્ટોમાં એક લાખ યુવાનોને નોકરી આપવી, સરકારની રચનાના પ્રથમ ત્રણ મહિનામાં કાયમી રોજગારીની તકો ઊભી કરવા જમ્મુ અને કાશ્મીર યુવા રોજગાર સર્જન અધિનિયમ પસાર કરવું, તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ 180 દિવસમાં ભરવી, સ્ટાર્ટ-અપ યોજના હેઠળ પ્રોત્સાહક-સંબંધિત નોકરીઓ પ્રદાન કરવી, ઉર્જા ક્ષેત્રમાં રોજગાર સર્જન માટે સરકારી સમર્થન અને પ્રોત્સાહનો આપવા જેવી ગેરંટી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસનું સત્ય સામે આવશે! આરોપીના પોલિગ્રાફ ટેસ્ટની મંજૂરી મળી

અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો

ગરીબ પરિવારોને 6 સિલિન્ડર મફતમાં આપવા, તમામ જાહેર પરિવહનમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા, લગ્ન સહાયમાં વધારો, પેન્શનરો માટે મેડિકલ ભથ્થું 300 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવા, લઘુમતી આયોગની સ્થાપના કરવી, પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS)ને મજબૂત કરવી જેવી જાહેરાતો કરવામાં આવી છે.

નેશનલ કોન્ફરન્સની ગેરંટી

રાજ્યમાં નેશનલ કોન્ફરન્સની સરકાર બને તો કેટલીક ગેરંટી આપવામાં આવી છે. જે મુજબ, પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) રદ કરવામાં આવશે, રાજકીય કેદીઓની મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવશે, કાશ્મીરી પંડિતોની સન્માનજનક વાપસી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. અયોગ્ય બરતરફી નાબૂદ કરવામાં આવશે. હાઈવે પર લોકોને બિનજરૂરી રીતે હેરાન કરવા પર પ્રતિબંધ રહેશે.


Google NewsGoogle News