મારા માટે ટ્રાફિક નહીં અટકે, ગ્રીન કોરિડૉરની પણ જરૂર નથી... CM બન્યા પછી ઓમર અબ્દુલ્લાનો પહેલો નિર્ણય
Jammu And Kashmir CM Omar Abdullah : નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુ-કાશ્મીરના નવા મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, ‘જ્યારે હું કોઈપણ રસ્તા પરથી યાત્રા કરું, ત્યારે મારા માટે કોઈપણ પ્રકારનો ગ્રીન કોરિડૉર ન બનાવવામાં આવે. મારી યાત્રા દરમિયાન કોઈપણ ટ્રાફિકને અટકાવવામાં ન આવે. ટ્રાફિકમાં અડચણ ઊભી કરવાથી સામાન્ય લોકો પરેશાન થાય છે.’
મારા માટે કોઈપણ ટ્રાફિક રોકવાની જરૂર નથી: ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લાએ બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, ‘મેં જમ્મુ-કાશ્મીરના ડીજી સાથે વાત કરી છે કે, જ્યારે પણ મારો કાફલો રસ્તા પરથી પસાર થાય, ત્યારે ગ્રીન કોરિડૉર બનાવવાની કે ટ્રાફિક અટકાવવાની કોઈ જરૂર નથી. મેં તેમને પ્રજાની અસુવિધા દૂર કરવા માટે નિર્દેશ આપ્યો છે. મેં તમને સાયરનનો ઓછો ઉપયોગ કરવા પણ કહ્યું છે.’
કાફલાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો નિર્દેશ
ઓમર અબ્દુલ્લાએ વર્ષ 2009થી 2014 સુધીના કાર્યકાળ દરમિયાન પોતાના કાફલાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમણે આજે (16 ઑક્ટોબર) જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે પાંચ ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે.