CM ઓમર અબ્દુલ્લા ફરી કોંગ્રેસ પર ભડક્યા, કહ્યું- ‘મેં સોનિયા ગાંધીના વખાણ કર્યા, તો તે ભાજપની...’
Omar Abdullah : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ EVMને લઇને કોંગ્રેસ સામે ફરી સવાલ કર્યો છે. તેમણે કહ્યું કે, 'જો તમને EVM પસંદ નથી તો તમે જ ઉકેલ આપો કે શું કરવું જોઇએ. શું તમે ઇચ્છો છો કે આપણે EVM ને બદલે ફરી બેલેટ પેપર દ્વારા મતદાન કરાવીએ? શું અમે ભૂલી જઇએ કે બેલેટ પેપર સાથે શું થતું હતું?'
ઓમર અબ્દુલ્લાએ પ્રહારો કરનારાઓને વળતો જવાબ આપીને કહ્યું કે, ‘હું મુખ્યમંત્રી હોવાથી સત્ય બોલું છું અને હું ક્યારે સત્ય બોલવાનું બંધ નહીં કરું. મારો ઈન્ટરવ્યૂ દેખાડીને એવું કહેવામાં આવી રહ્યું છે કે, હું ભાજપની ભાષા બોલી રહ્યો છું, મેં તે જ ઈન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીના વખાણ કર્યા હતા, તો શું તે ભાજપની ભાષા છે. જો તમેને ઈલેક્ટ્રોનીક વોટિંગ મશીન (EVM) પસંદ નથી તો તેનો રસ્તો શું છે, તે બતાવવો જોઈએ.’
આ પણ વાંચોઃ 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, રૂપાલા, પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યો સામેલ
કેન્દ્રીય ગૃહ મંત્રીનો ઉલ્લેખ કર્યો
નોંધનીય છે કે, તાજેતરમાં ઓમર અબદુલ્લા પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ખાનગી મુલાકાત કરી હતી. આ અહેવાલો પર તેમણે કહ્યું કે, 'મારી કોઈ બેઠક થઇ નથી. જો કોઈ બેઠક થશે, તો તમને ખબર પડી જશે. ઘણા એવા મુદ્દાઓ છે જેના પર ગૃહ મંત્રી સાથે ચર્ચા કરવાની છે. જમ્મુ અને કાશ્મીર હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે, અમે રાજ્યનો દરજ્જો મેળવવાની આશા રાખીએ છીએ.'
EVMને લઇને ઇન્ડિ ગઠબંધનમાં ડખા
ઈવીએમ પર સીએમ અબ્દુલ્લાનો સવાલ એવા સમયે આવ્યો છે જ્યારે તેમના સહયોગી કોંગ્રેસના નેતાઓ તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઈવીએમ અંગેના તેમના તાજેતરના નિવેદન પર કોંગ્રેસે કહ્યું હતું કે, 'સીએમ બન્યા બાદ ઓમર અબ્દુલ્લાનું વલણ બદલાઈ ગયું છે.'
આ પણ વાંચોઃ 'PM મોદી એક્શન લે કાં સત્તા છોડે...' આંબેડકર મુદ્દે શાહના નિવેદન પર ભડક્યા ઉદ્ધવ ઠાકરે
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતાં જ ફરી એકવાર EVMનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પરિણામોને ઈવીએમની રમત ગણાવી હતી. જ્યારે ભાજપ કહે છે કે જ્યારે કોંગ્રેસ ગઠબંધન ઝારખંડની ચૂંટણી જીતે છે ત્યારે તેમને ઈવીએમમાં કોઈ ખામી દેખાતી નથી પરંતુ જ્યાં જનતા તેમને નકારે છે ત્યાં તેમને ગેરરીતિ દેખાય છે.