Get The App

ઓમર અબ્દુલ્લાએ PM મોદીના ભરપેટ વખાણ કર્યા, કોંગ્રેસની વધશે ચિંતા?

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
ઓમર અબ્દુલ્લાએ PM મોદીના ભરપેટ વખાણ કર્યા, કોંગ્રેસની વધશે ચિંતા? 1 - image


PM Modi inaugurated Z Morh Tunnel : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે સોનમર્ગમાં ઝેડ મોડ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચના ભરપેટ વખાણ કરી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઓમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ I.N.D.I.A. ગઠબંધનનો સાથી પક્ષ છે. આ ઉપરાંત ભાજપ જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષમાં છે. એ વાત પણ જગજાહેર છે કે, કોંગ્રેસ વડાપ્રધાન મોદી અને ભાજપને હટાવવા માટે દેશભરમાં અભિયાન ચલાવતી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ ચૂંટણી પંચ પર પણ સમયાંતરે આક્ષેપો કરતી રહી છે. હવે જ્યારે ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીના વખાણ કર્યા છે, તેથી કોંગ્રેસની ચિંતામાં વધારો થવો સહજ છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ વડાપ્રધાનના કર્યા ભરપૂર વખાણ

વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં આજે ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, LG મનોજ સિન્હા તેમજ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના ઉપસ્થિતિ રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના ભરપેટ વખાણ કર્યા છે. ઘણા સમયથી તેમના અને પીએમ મોદી વચ્ચેના તાલમેલમાં વધારો થયો છે. ઓમર અબ્દુલ્લાએ આજે પીએમ મોદીના વખાણ કરતાં કહ્યું કે, તમે તમારા તમામ વચનો પૂરા કરી રહ્યા છો. તમે કાશ્મીર અને દિલ્હી વચ્ચેના દિલનું અંતર ઘટાડી દીધું છે. તમે આપેલા વચન મુજબ, હવે દિલ અને દિલ્હીનું અંતર ઘટી ગયું છે.

શ્રીનગર-લેહને જોડતી Z મોડ ટનલનું PM મોદીના હસ્તે ઉદઘાટન, નામ બદલી સોનમર્ગ ટનલ કરાયું

તમે ટનલનું ઉદ્ઘાટન કર્યું, તે અમારું સૌભાગ્ય : અબ્દુલ્લા

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, ‘આ અમારું સૌભાગ્ય છે કે, તમે આ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ પૂરો કરતી વખતે અનેક અડચણો આવી, જોકે તમે અને નીતિન ગડકરીએ ઝડપથી કામ આગળ વધાર્યું. હવે અહીં બારે માસ પ્રવાસીઓ આવશે અને દેશના તમામ ભાગો કાશ્મીર સાથે જોડાયેલા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે સરહદ પર શાંતિ જળવાઈ રહી છે. જોજિલા ટનલનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે.’

‘PM મોદીના પ્રયાસોના કારણે જ દિલ અને દિલ્હીનું અંતર ઘટ્યું’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે તમે (પીએમ મોદી) શ્રીનગરમાં પ્રચાર કરવા આવ્યા હતા, ત્યારે યોગ દિવસે કાર્યક્રમ યોજાયો હતો. તમે તે દિવસે કેટલીક વાતો કહી હતી, જેના કારણે તમારા પર લોકોનો વિશ્વાસ વધ્યો છે. તમે કહ્યું હતું કે, દિલ્હી અને દિલનું અંતર સમાપ્ત કરી દઈશું. આ વાત તમારા કામથી જ સાબિત થઈ છે. તમે 15 દિવસની અંદર બીજી વખત જમ્મુ-કાશ્મીર આવ્યા છો. આ પહેલા તમે જમ્મુના રેલ ડિવિઝનથી નવાજા આવ્યા હતા અને હવે તમે અહીં આવ્યા છો. આવા પ્રયાસોના કારણે જ દિલ અને દિલ્હીનું અંતર ઘટે છે. તમે ચૂંટણી વખતે આપેલું વચન પૂરું કર્યું. તમે ચાર મહિનાની અંદર ચૂંટણી કરાવી, જેના પરિણામે હું મુખ્યમંત્રી તરીકે આ કાર્યક્રમમાં આવી શક્યો છું.

આર્થિક સમૃદ્ધિનો મહાકુંભ: 1 હજાર કરોડ રૂપિયાના તો માત્ર ફૂલ વેચાશે, અઢી લાખ કરોડની આવકનો અંદાજ



Google NewsGoogle News