'આવી માગણી કરું તો મારા પર લાનત કહેવાય..' પહલગામ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના CMની ભાવુક અપીલ
Omar Abdullah Speech: પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતને લઈને જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ભાવુક થયા હતા. વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન સ્પીચ આપતાં ઓમર અબ્દુલ્લાહએ કહ્યું કે, 'અમે માર્યા ગયેલા 26 લોકોના પરિવારો સાથે છીએ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ.'
પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગવાનો આ યોગ્ય સમય નથી: ઓમર અબ્દુલ્લાહ
વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કહ્યું હતું, 'સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવનારા લોકોએ સમજવું જોઈએ કે તે લોકોના જીવનને કેટલું મુશ્કેલ બનાવે છે. આપણે બંદૂકોથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ તેને નાબૂદ કરી શકાતો નથી. આ જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. આ એવો સમય નથી જ્યારે આપણે જમ્મુ-કાશ્મીર માટે કેન્દ્ર સરકાર પાસેથી પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ કરીએ. અમે આવી સસ્તી રાજનીતિ નથી કરતા. જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે કે તેઓ ખાતરી કરે કે વાતાવરણ સારું રહે અને મહેમાનોને કોઈ નુકસાન ન થાય.'
અબ્દુલ્લાહએ કહ્યું, 'આ પ્રસંગે હું જમ્મુ અને કાશ્મીર માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગીશ નહીં. હું કયા મોઢે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી શકું? આપણે હંમેશા રાજ્યનો દરજ્જો માંગીશું પણ જો હું આજે આવી માંગ કરીશ તો મારા પર લાનત છે.'
વિધાનસભામાં ઓમર અબ્દુલ્લાહએ કહ્યું કે, 'આ પ્રસંગે હુમલાની સખત નિંદા કરતાં અમે ફક્ત એક જ વાત કહીએ છીએ કે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના તેમની સાથે છે.'
આ પણ વાંચો: ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આજે 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર
ઓમર અબ્દુલ્લાહએ સ્થાનિક લોકોની મદદની પણ પ્રસંશા કરી
ઓમર અબ્દુલ્લાહએ હુમલા પછી સ્થાનિક લોકોની ભૂમિકાની પ્રશંસા કરતાં કહ્યું કે, 'હોટલ સ્ટાફે તેમના રૂમ છોડી દીધા અને તેમને અહીં રહેવાનું કહ્યું. ઓટો ચાલકોએ કહ્યું કે અમે તમને પૈસા વગર જ્યાં પણ જવા માંગો છો ત્યાં મૂકી જઈશું. હું આવી કાશ્મીરીયતને સલામ કરું છું. આ આપણી મહેમાનગતિ છે. પોતાના જીવની પરવા કર્યા વિના, આદિલે તેનો જીવ બચાવ્યો, સ્થાનિક લોકોએ મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આ તક આતંકવાદના અંતની શરુઆત છે. એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે આપણા પ્રિયજનોને દૂર લઈ જાય.'