યુપી: અમિત શાહ સાથે મુલાકાત બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષને મળ્યા ઓમ પ્રકાશ રાજભર, રાજકારણ ગરમાયુ
નવી દિલ્હી, તા. 3 ઓગસ્ટ 2021 મંગળવાર
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે મંગળવારે સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ સાથે મુલાકાત કરી. તેમની સાથે ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ દયા શંકર સિંહ પણ હાજર હતા.
ચર્ચા છે કે આનાથી બે દિવસ પહેલા રાજભરે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. જે બાદ તેમની મુલાકાત સ્વતંત્ર દેવ સાથે થઈ છે.
જોકે, ઓમ પ્રકાશ રાજભર આ મુલાકાતને શિષ્ટાચાર ભેટ જણાવી રહ્યા છે પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે સ્વતંત્ર દેવ સાથે થયેલી મુલાકાતની પાછળ ઓમ પ્રકાશનો રાજકીય એજન્ડા છે. સૂત્રો અનુસાર ભાજપ દ્વારા પછાત અને અતિ પછાતને પોતાના પાળામાં ખેંચવાની રણનીતિ હેઠળ ઓમ પ્રકાશ રાજભરને ફરીથી પોતાની તરફ લાવવાનો પ્રયત્ન શરૂ થઈ ગયો છે.
લગભગ એક કલાક સુધી ચાલેલી મુલાકાતથી યુપીના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. જોકે, ઓમ પ્રકાશ રાજભર પ્રદેશમાં ઓવૈસીની પાર્ટીની સાથે મળીને ભાગીદારી સંકલ્પ મોર્ચા બનાવીને કામ કરી રહ્યા છે. રાજભર ભાજપની રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પર જામીને નિવેદનબાજી કરતા રહ્યા છે પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત બાદ ફરીથી અંદાજ લગાવવાના શરૂ થઈ ગયા છે.
તેમણે કહ્યુ હતુ કે ભાગીદારી સંકલ્પ મોર્ચા આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠક પર ચૂંટણી લડશે. તેમણે પ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો. મુખ્યમંત્રી પદ માટે મોર્ચા તરફથી ચહેરો કોણ હશે? આ પ્રશ્ન પર રાજભરે કહ્યુ હતુ કે મોર્ચા એક ચૂંટણી, પાંચ વર્ષ સરકાર, પાંચ મુખ્યમંત્રીના ફોર્મૂલા પર ચાલશે. દર વર્ષે ચાર નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે.
રાજભરે કહ્યુ કે જો સરકાર બને છે તો મોર્ચામાં સામેલ તમામ દળોને સીએમ અને ડેપ્યુટી સીએમ બનાવવાનો અવસર મળશે. આંધ્ર પ્રદેશમાં ચાર નાયબ મુખ્યમંત્રી છે. યુપીમાં ભાજપ અને બસપાએ જે રીતે છ-છ મહિનાના મુખ્યમંત્રી બનાવવાની પરંપરા શરૂ કરી હતી. તે તર્જ પર અમે પણ નવો પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો છે.