દેશની સૌથી વૃદ્ધા ‘કરદાતા’ની દુનિયામાંથી વિદાય, 121 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
ગિરિજા દેવીના નિધન પર જિલ્લા વહીવટીતંત્રે પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી
ગિરિજા દેવીના પતિ સિદ્ધનાથ તિવારી ભારત છોડો આંદોલન (1942)માં સામેલ થયા હતા
સાગર, તા.08 જુલાઈ-2023, શનિવાર
દેશની સૌથી વૃદ્ધ ‘કરદાતા’ 121 વર્ષીય ગિરિજા દેવી તિવારીનું ગઈકાલે નિધન થયું છે. તેઓ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બીના તાલુકામાં રહેતા હતા. તેઓ અંતિમ સમય સુધી કરદાતા રહ્યા છે. તેમના નિધન પર આવકવેરા વિભાગના અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રે પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
ગિરિજા દેવી દેશની સૌથી વૃદ્ધ કરદાતા
સાગર જિલ્લાના બીના તાલુકામાં રહેતા 121 વર્ષીય વૃદ્ધા ગિરિજા દેવી તિવારી ગઈકાલે અંતિમ શ્વાસ લીધા છે. જિલ્લા વહિવટીતંત્રે તેમના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી જણાવ્યું કે, સ્વ.ગિરિજા દેવી દેશની સૌથી વૃદ્ધ કરદાતા હતી. વર્ષ 2018માં દેશના વૃદ્ધ તેમજ સૌથી વધુ સમય સુધી આવકવેરો ભરનારા આવકવેરા કરદાતાઓની યાદી બનાવી હતી, જેમાં ગિરિજા દેવીનું નામ સૌથી ઉપર હતું. તેમના પાન કાર્ડમાં તેમની જન્મ તારીખ 15 એપ્રિલ-1903 દર્શાવવામાં આવી હતી.
ગિરિજા દેવીના પતિ ભારત છોડો આંદોલનમાં સામેલ થયા હતા
કલેક્ટર દીપક આર્યની સૂચના બાદ બીના તાલુકાના SDMએ તેમના ઘરે પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી... અત્રે ઉલ્લેખનિય છે કે, ગિરિજા દેવીના પતિ સિદ્ધનાથ તિવારીએ ભારત છોડો આંદોલન (1942)માં સામેલ થયા હતા. વર્ષ 1971માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર બીનાથી પણ ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1985માં તેમનું નિધન થયું હતું. ગિરિજા દેવીના 4 પુત્રોમાંથી 2 પુત્રોનું અવસાન થયું છે. ત્રીજો પુત્ર ઘનશ્યામ તિવારી (75) નિવૃત્ત PWD એન્જિનિયર છે. સૌથી નાનો પુત્ર ડૉ.રાજેન્દ્ર તિવારી MBBS ડૉક્ટર છે.
પતિનું પેન્શન આવતું હતું, તેનો ટેક્સ ભરતા હતા
જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મળતી માહિતી મુજબ ગિરિજા દેવીના પતિ સ્વ.સિદ્ધનાથ તિવારી સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનું પેન્શન ગિરિજા દેવી મેળવતા હતા, જેના કારણે તેઓ કરદાતા પણ હતા. આવકવેરા વિભાગે પણ તેમના 160મા સ્થાપના દિવસે દેશના સૌથી વૃદ્ધ આવકવેરાદાતા તરીકે તેમને સન્માનિત કર્યા હતા.