'અધિકારીઓ જરાય નથી સાંભળતા..' આ રાજ્યમાં પણ ભાજપના ધારાસભ્યોની ટોચના નેતાઓને ફરિયાદ
Bihar Politics: ચોમાસા સત્ર વચ્ચે પટનામાં બિહાર ભાજપ દ્વારા પાર્ટીના ધારાસભ્યોની એક રુટિન બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને પોતાની સમસ્યા અંગે જણાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ એક-એક કરીને તમામ ધારાસભ્યોએ પાર્ટીના ટોચના નેતાઓ સામે પોતાની ફરિયાદ મૂકી હતી. આ દરમિયાન પાર્ટીના બિહાર પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી સહિત બિહારના પ્રભારી અને સહ પ્રભારી પણ હાજર રહ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે આ બેઠકમાં ઘણા ધારાસભ્યોએ રાજ્યમાં ઓફિસરશાહી વર્ચસ્વનો હવાલો આપ્યો હતો.
અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા
આ બેઠકમાં રાજ્ય સરકારમાં મંત્રી રહેલા અને હાલમાં ભાજપના ધારાસભ્ય રહેલા જીવેશ મિશ્રાએ રાજ્યના માર્ગ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રત્યય અમૃત વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું કે જ્યારે હું મારી સમસ્યાઓ લઈને તેની પાસે જાઉં છું ત્યારે તેઓ મારી વાત સાંભળતા નથી અથવા તો સાંભળ્યા પછી પણ તેની અવગણના કરે છે. આવી સ્થિતિમાં જો કોઈ અધિકારી અમારી વાત જ નહીં સાંભળે તો અમે જનતાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે કરીશું. ત્યારબાદ સમ્રાટે તેમને દરેક સંભવ મદદ કરવાની વાત કરી અને આ વાતને સીએમ નીતિશ કુમાર સમક્ષ રાખવાનું પણ આશ્વાસન આપ્યું હતું.
નાના અધિકારીઓની મનમાની વધી ગઈ છે
આ સાથે જ સાહેબગંજના ધારાસભ્ય રાજુ સિંહે કહ્યું કે, મુઝફ્ફરપુરના એસએસપી રાકેશ કુમાર અમારી વાત નથી સાંભળતા. જ્યારે પણ અમારી જનતા તેમની પાસે જાય છે ત્યારે તેઓ તેમને કોઈને કોઈ કામમાં વ્યસ્ત છે એવું કહી ત્યાંથી નીકાળી દે છે. તેથી નાના અધિકારીઓની મનમાની ત્યાં વધી ગઈ છે. આવી સ્થિતિમાં લોકોની મુશ્કેલી વધી રહી છે. ત્યારબાદ સમ્રાટે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી છે. આ સાથે જ પાતેપુરના ધારાસભ્ય લખેન્દ્ર પાસવાને વૈશાલીના એસપી હરકિશોર રાયની ફરિયાદ કરી હતી.
પાર્ટી માટે લોકોમાં અલગ પ્રકારની ઈમેજ ઉભી થશે
બીજી તરફ મોતિહારીના ધારાસભ્ય પ્રમોદ કુમાનું કહેવું છે કે, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, સર્કલ ઓફિસર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ મનસ્વી છે. તેઓ જનપ્રતિનિધિઓની વિનંતીઓની અવગણના કરે છે. અમે તેમને કોઈ કામ કરવાનું કહીએ તો તેને ટાળી દેવામાં આવે છે. તેમના દ્વારા કોઈ ને કોઈ બહાનું બનાવી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં પાર્ટી માટે લોકોમાં અલગ પ્રકારની ઈમેજ ઉભી થશે અને તેનાથી પાર્ટીને નુકસાન વેઠવું પડી શકે છે.
બીજી તરફ ધારાસભ્યોએ કહ્યું હતું કે જ્યારે બિહારમાં મહાગઠબંધનની સરકાર હતી ત્યારે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવે તેમના મનપસંદ અધિકારીઓને વિસ્તારમાં તેહનાત કર્યા હતા. તેનો RJDને ફાયદો પણ થયો. કેટલીક જગ્યાએ તો તેમાંથી કેટલાક અધિકારીઓ આજે પણ તેહનાત છે, જેઓ ભાજપના ધારાસભ્યોની વાત સાંભળતા જ નથી. તે અધિકારીઓની બદલી સાથે ધારાસભ્યોએ આ વિસ્તારમાં લોકપ્રિય અને તેજ અધિકારીઓને તેહનાત કરવા આગ્રહ કર્યો હતો. ત્યારબાદ નેતૃત્વએ તેમને પહેલ કરવાની ખાતરી આપી હતી.