લિબિયાની જેમ ઇઝરાયેલમાં ઘૂસીશું : તુર્કી સદામ હુસૈન જેવા હાલ કરીશું : ઇઝરાયેલ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
લિબિયાની જેમ ઇઝરાયેલમાં ઘૂસીશું  : તુર્કી સદામ હુસૈન જેવા હાલ કરીશું : ઇઝરાયેલ 1 - image


- પેલેસ્ટાઇનને લઈ તુર્કી અને ઇઝરાયેલ વચ્ચે શાબ્દિક ટપાટપી

- હીઝબુલ્લાહના ઇઝરાયેલ પર હુમલા પછી એર્દોગનના નિવેદને મધ્યપૂર્વની સ્થિતિમાં આગમાં ઘી નાખવાનું કામ કર્યું

નવી દિલ્હી : તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પેલેસ્ટાઇનીઓની મદદ માટે ઇઝરાયેલમાં ઘૂસવાની ધમકી આપી છે તો તેના જવાબમાં ઇઝરાયેલો વળતો પ્રવાહ કરતાં જણાવ્યું છે કે અમે તારા હાલ સદામ હુસૈન જેવા કરીશું. ઉલ્લેખનીય છે કે સદામ હુસેનને અમેરિકાએ લઈ જઈને ફાંસીના માંચડે લટકાવી દીધો હતો. તેમણે લીબિયા અને નાગોના કારાબાખમાં તેની દરમિયાનગીરીની વાત પણ ટાંકી હતી. 

ઇઝરાયેલે જણાવ્યું હતું કે એર્દોગન સદામ હુસૈનના પગલે ચાલી રહ્યા છે. તેથી તેમના હાલ પણ સદામ હુસેન જેવા થઈ શકે છે. એર્દોગોને જણાવ્યું ન હતું કે તે પેલેસ્ટાઇનીઓને મદદ કરવા ઇઝરાયેલમાં કયા પ્રકારની દરમિયાનગીરી કરવાની વાત કરે છે. એર્દોગન ઇઝરાયેલના હુમલાના આકરા ટીકાકાર રહ્યા છે. 

તેમણે શાસક પક્ષની બેઠકમાં જણાવ્યું હતું કે આપણે બહુ મજબૂત હોવું જોઈએ, જેથી ઇઝરાયેલ પેલેસ્ટાઇન સાથે હાસ્યાસ્પદ બાબત ન કરી શકે. આપણે લીબિયામાં ગયા હતા અને કારાબાખમાં ગયા હતા. હવે એવું કોઈ કારણ નથી કે આપણે ફરીથી આવું ન કરી શકીએ. એર્દોગડન ગાઝામાં ઇઝરાયેલના હુમલાના તીવ્ર ટીકાકાર છે અને અવારનવાર ઇઝરાયેલ સામે નિવેદન આપતા રહે છે.

ઇઝરાયેલ પર હીઝબુલ્લાના તાજા હુમલામાં ૧૨ ઇઝરાયેલી ટીનેજરોના મોત થતાં ઇઝરાયેલ ગુસ્સે ભરાયેલું છે અને તે વળતા પ્રહારની તૈયારી કરી રહ્યું છે. આ સંજોગોમાં એર્દોગનના નિવેદને આગમાં ઘી નાખવાનું કામ કર્યુ છે. જો કે એર્દોગને જે રીતે ઇઝરાયેલમાં ઘૂસવાની વાત કરી છે તે બધાને વધુ પડતી લાગી છે. બધા માને છે કે તુર્કીની તાકાત નથી કે તે ઇઝરાયેલ સાથે સીધુ ટકરાઈ શકે. ઇરાન જેવું પ્રખર વિરોધી પણ ઇઝરાયેલ સામે સીધું ટકરાતું નથી, પણ હુથી, હીઝબુલ્લાહ અને હમાસ જેવા સંગઠનને સમર્થન આપે છે. 

ભારતીય રાજદૂતાવાસે લેબનોન માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી

ઇઝરાયેલ અને લેબનીઝ આતંકવાદી જૂથ હીઝબુલ્લાહ વચ્ચે વધતા જતા તનાવના પગલે લેબનોનમાં ભારતીય રાજદૂતાવાસે બધા નાગરિકોને સાવધાન રહેવા અને સતત ભારતીય રાજદૂતાવાસના સંપર્કમાં રહેવા ચેતવણી આપી છે. ગયા વર્ષે આઠમી ઓક્ટોબર પછી ઇઝરાયેલી દળો અને હીઝબોલ્લાહ વચ્ચેનો સંઘર્ષ દિનપ્રતિદિન વધુ આકરો થઈ રહ્યો છે. તેમા પણ શનિવારે લેબનીઝ આતંકવાદી જૂથે ફૂટબોલના મેદાન પર હુમલો કરતાં ઇઝરાયેલના કમસેકમ ૧૨ બાળકના મોત થયા હતા. ઇઝરાયેલે જણાવ્યું હતું કે દેશના ઉત્તર સરહદે કરાયેલા અત્યાર સુધીનો આ તીવ્રતમ હુમલો છે. આ હુમલાના લીધે હવે ઉત્તરી સરહદ પણ યુદ્ધગ્રસ્ત બને તેમ માનવામાં આવે છે. આના પગલે ત્યાંનો પ્રવાસ ખેડતા બધા ભારતીયોને સાવધ રહેવા અને રાજદૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવાયું છે.


Google NewsGoogle News