ભારતની હારથી દુઃખી થયેલા વધુ એક યુવાને કરી આત્મહત્યા, બંગાળ બાદ આ રાજ્યમાં બની ઘટના
Image Source: Twitter
- યુવાન ફાઈનલ મુકાબલામાં ભારતની હાર બાદ ખૂબ જ નિરાશ હતો
નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2023, મંગળવાર
Suicide Case: ગત રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ICC વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આ હારથી દુ:ખી થઈને વધુ એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. ઓડિશામાં 23 વર્ષીય યુવાને ભારતીય ટીમને ફાઈનલમાં મળેલી હારથી દુ:ખી થઈને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ પશ્ચિમ બંગાળના બાંકુરા અને ઓડિશાના જાજપુરમાં એમ બે લોકોએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પશ્ચિમ બંગાળની ઘટના મામલે પોલીસે જણાવ્યું હતું કે, બેલિયાટોર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવેલા સિનેમા હોલ પાસે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે રાહુલ લોહાર નામના 23 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી.
રાહુલે કામ પરથી રજા લીધી હતી
રાહુલ એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે તેણે રવિવારે રજા લીધી હતી. તેના બનેવી ઉત્તમ સૂરે જણાવ્યું કે, ભારતની ઓસ્ટ્રેલિયા સામેની હારથી દુ:ખી થઈને રાહુલે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. બાકી તેમના જીવનમાં એવી કોઈ પણ સમસ્યા નહોતી.
ફાઈનલ મુકાબલામાં મળેલી હાર બાદ હતો નિરાશ
બીજી તરફ ઓડિશાના જાજપુરમાં પોલીસે જણાવ્યું કે, 23 વર્ષીય યુવક રવિવારની રાત્રે મેચ બાદ તરત જ બિંઝારપુર વિસ્તારમાં તેના ઘરમાં ફાંસી પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવકી ઓળખ દેવ રંજન દાસ તરીકે થઈ છે. દાસના એક સંબંધીએ કહ્યું કે તે ભાવનાત્મક વિકાર સબંધી સમસ્યાથી પીડિત હતો અને તેની સારવાર ચાલી રહી હતી. પરિવારના સભ્યએ જણાવ્યું કે ફાઈનલ મુકાબલામાં ભારતની હાર બાદ દાસ ખૂબ જ નિરાશ હતો. આ મામલે જરી ચોકીના ઈન્ચાર્જ ઈન્દ્રમણિ જુઆંગાએ જણાવ્યું કે, અમે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.