ભિખારી, રિક્ષા ડ્રાઈવર અને ભંગારવાળો બન્યાં હેવાન, દિલ્હીમાં યુવતી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ
Delhi News | દિલ્હીમાં ફરી એક વખત નિર્ભયા કાંડ જેવી સામુહિક બળાત્કારની ઘટના ઘટી છે. દિલ્હીના આઈટીઓ પર ઓડિશાની એક રિસર્ચર યુવતી પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી એક બળાત્કારી ઓટો ચાલક યુવતીને સરાય કાલેખાં વિસ્તારમાં પડતી મુકીને ભાગી છૂટયો હતો. બળાત્કારની આ ઘટનાથી યુવતીની માનસિક સ્થિતિ કથળી ગઈ હતી.
નેવીના એક અધિકારીએ યુવતીને અસ્તવ્યસ્ત હાલતમાં રસ્તા પર ફરતી જોતા પોલીસને જાણ કરી હતી. તેને એઈમ્સમાં દાખલ કરાઈ છે. ગયા મહિનાની આ ઘટનામાં પોલીસે ત્રણેય બળાત્કારીઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા મુજબ દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં ૧૦-૧૧ ઑક્ટોબરે રાતે ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશન નજીક એક યુવતીને એકલી બેઠેલી જોતાં ભંગારની દુકાન ધરાવતા પ્રમોદ બાબુએ વિકલાંગ ભીખારી મોહમ્મદ શમસુલ સાથે મળી યુવતી પર બળાત્કારની યોજના બનાવી હતી. દારૂના નશામાં બંને યુવતીને નજીકમાં એક નિર્જન સ્થળે લઈ ગયા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. થોડીવારમાં દારૂના નશામાં ઓટો ડ્રાઈવર પ્રભુ મહતો પણ ત્યાં પહોંચ્યો હતો. તેણે પીડિતાને બચાવવાના બદલે ઓટોમાં બેસાડી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી તે પીડિતાને અન્ય જગ્યાએ લઈ ગયો અને ત્યાં પણ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પછી પ્રભુ મહતો યુવતીને સરાઈ કાલે ખાં વિસ્તારમાં નાંખીને ભાગી છૂટયો હતો.
વારંવાર બળાત્કારની ઘટનાઓથી આઘાત પામેલી યુવતી અસ્તવ્યસ્ત હાલતમાં સરાય કાલે ખાં વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે નેવીના એક અધિકારીએ પોલીસ કંટ્રોલ રૂમને પીડિતા અંગે માહિતી આપી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવતીને એઈમ્સમાં દાખલ કરાવી હતી અને અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર કરી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર રવિ કુમાર સિંહે જણાવ્યું હતું કે, યુવતીને ભારે આઘાત લાગ્યો હોવાથી તે કોઈ માહિતી આપી શકતી નહોતી. આથી તેમની મહિલા અધિકારી સંગીતાને સામાજિક કાર્યકર બનાવી એઈમ્સમાં પીડિતાની સારવાર કરવા નિયુક્ત કરી હતી. સંગીતાએ પીડિતાનો વિશ્વાસ જીતીને બળાત્કારની ઘટના અને તેના વિશે મહત્વની વિગતો કઢાવી હતી. યુવતીના જણાવ્યા મુજબ તેણે ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટી ઓફ કલ્ચરમાંથી સોશિયલ વર્ક પર પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. તેણે ઓડિશામાં વિવિધ સંસ્થાઓમાં સામાજિક કાર્યકર તરીકે કામ કર્યું હતું. જોકે, તે પરિવારમાં કોઈને જાણ કર્યા વિના ૯ મેના રોજ દિલ્હી આવી હતી અને ત્યારથી દિલ્હીમાં રહેતી હતી. પરિવારે ૯ જૂને પુરીમાં કુમ્ભારપાડા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
યુવતી પાસેથી બળાત્કારની ઘટનાની વિગતો મેળવ્યા પછી પોલીસે આરોપીઓને પકડવા માટે ૭૦૦ સીસીટીવી તપાસ્યા હતા અને ૧૫૦થી વધુ ઓટો ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. પોલીસે ૩૦ ઑક્ટોબરે ઓટો ડ્રાઈવર પ્રભુ મહતોની ત્યાર પછી બે નવેમ્બરે ભંગારની દુકાનવાળા પ્રમોદ બાબુ અને ૪ નવેમ્બરે વિકલાંગ મોહમ્મદ શમસુલની ધરપકડ કરી હતી.