Get The App

જેલમાંથી છૂટી દુષ્કર્મ પીડિતાની હત્યા કરી, મૃતદેહનાં ટુકડાં કરી ફેંકી દીધા, ઓડિશાની હચમચાવતી ઘટના

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
Odisha Rape Murder Case


Odisha Rape Murder Case: ઓડિશાના સુંદરગઢ જિલ્લામાં સગીર બળાત્કાર પીડિતાની હત્યાની એક હચમચાવતી ઘટના સામે આવી છે. આરોપી કુનુ કિશન જે અગાઉ બળાત્કારના આરોપમાં જેલમાં હતો અને હવે જામીન પર છૂટ્યા બાદ તેણે પીડિતાનું અપહરણ કરીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ લાશના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ ગયા વર્ષે આરોપી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.

AIની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી 

પોલીસે તપાસ શરૂ કરી ત્યારે સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિઓ બાળકીને મોટરસાઈકલ પર લઈ જતા જોવા મળ્યા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યું હતુ, જેના કારણે તેમની ઓળખ થઈ શકી ન હતી. યુવતી સુંદરગઢ જિલ્લાની વતની હતી, પરંતુ તે ઝારસુગુડા શહેરમાં એક સંબંધીના ઘરે રહેતી હતી. જ્યારે પોલીસને બાળકીના પરિવાર પાસેથી સંપૂર્ણ માહિતી મળી, ત્યારે તેઓએ બળાત્કારના આરોપી કુનુ કિશન વિશે વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોલીસ કુનુ સુધી પહોંચી.

પોક્સો એક્ટ હેઠળ સજાથી બચવા માટે કરી હત્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કુનુ કિશને પોક્સો એક્ટ હેઠળ સજાથી બચવા માટે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. યુવતીનું ઝારસુગુડા ગામથી અપહરણ કરીને રાઉરકેલામાં તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ઓડિશા વેસ્ટ રેન્જના આઈજી હિમાંશુ લાલે કહ્યું કે પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ફરી ફાયરિંગ, તાપણું કરતાં બોડી બિલ્ડરને મિત્રો સામે જ ધડાધડ 5 ગોળીઓ ધરબી

ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સે કરી તપાસ 

પૂછપરછ દરમિયાન કુનુ કિશને પીડિતાની હત્યા કરી લાશના ટુકડા કરી ફેંકી દીધાની કબૂલાત કરી હતી. શરૂઆતમાં તેણે દાવો કર્યો હતો કે લાશને બ્રહ્માણી નદીમાં ફેંકી દેવામાં આવી હતી, પરંતુ બાદમાં તેણે કહ્યું કે શરીરના ટુકડા અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યા હતા. પોલીસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) એ શોધખોળ હાથ ધરી અને પીડિતાના શરીરના કેટલાક ભાગો અને જેકેટ રિકવર કર્યા.

હત્યા પાછળ સજા ટાળવાનો ઈરાદો

પોલીસનું કહેવું છે કે આરોપીએ સજાથી બચવા માટે પીડિતાની હત્યા કરી હતી. આરોપીએ હત્યા કરીને મૃતદેહના ટુકડા બ્રહ્માણી નદી અને અન્ય સ્થળોએ નાખી દીધા હતા. આઈજી હિમાંશુ લાલે કહ્યું કે આ જઘન્ય અપરાધને જોતા આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે.


Google NewsGoogle News