તાજ હોટેલનું કરી ગયો 'ગઠિયો', 4 દિવસ રોકાયો, મોજ માણી અને 2 લાખનું બિલ ચૂકવ્યા વગર ફરાર
Image: Taj Hotels |
Taj Ganges Hotel: વારાણસીની તાજ હોટેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવક ચાર દિવસ સુધી ત્યાં રોકાયો, તમામ સુવિધાઓનો લાભ લીધો, પરંતુ જ્યારે બિલ આપવાનો વારો આવ્યો તો ફરાર થઈ ગયો. લગભગ 2 લાખનું બિલ ચૂકવ્યા વિના જ યુવક ફરાર થઈ જતાં હોટેલના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મેનેજરની ફરિયાદ બાદ, પોલીસ સીસીટીવીના આધારે આ ફરાર યુવકની શોધખોળમાં લાગી છે.
હોટેલને 2 લાખનો ચૂનો લગાવ્યો
વારાણસીના નદેસર વિસ્તારમાં સ્થિત હોટેલ તાજ ગંગેઝથી આ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં હાઇ સિક્યોરિટીની અને સંપૂર્ણ સુવિધાથી સજ્જ હોટેલની એક ઠગે 2 લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે.
બિલ ચૂકવ્યા વિના જ થયો ફરાર
મળતી માહિતી મુજબ, ઓડિશાનો રહેવાસી સાર્થક સંજય 14 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર સુધી હોટેલના રૂમ નંબર 127માં રોકાયો હતો. જેનું ભાડું 1,67,796 રૂપિયા થયું હતું. આ સિવાય તેણે હોટેલમાં ભોજન પણ લીધું હતું, જેની કિંમત 36, 750 રૂપિયા હતી. આ પ્રકારે કુલ, 2,04,521 રૂપિયાનું બિલ થયું હતું. પરંતુ, યુવક બિલ ચૂકવ્યા વિના જ રૂમ મૂકીને ગાયબ થઈ ગયો. જ્યારે તેના રૂમની તપાસ કરવામાં આવી તો તેમાંથી ફક્ત થોડા કપડાં જ મળ્યા. ત્યારબાદ હોટેલના ફ્રન્ટ ઓફિસ મેનેજર ઋષિ મુખર્જીએ આ મામલે સંબંધિત કેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
આ પણ વાંચોઃ સરકારી બાબુઓને અનોખી સજા, વૃદ્ધને રાહ જોવડાવતા 20 મિનિટ સુધી ઊભા રહી કામ કરવા ફરમાન
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે કેન્ટ સર્કલના એસીપી વિદુષ સક્સેનાએ જણાવ્યું કે, ફરિયાદ મળ્યા બાદ FIR નોંધવામાં આવી છે. સીસીટીવ ફૂટેજ અને અન્ય જાણકારી મેળવવામાં આવી રહી છે. આરોપીને પકડવા માટે ટીમ ગોઠવવામાં આવી છે. જલ્દીથી તેને પકડવામાં આવશે. હાલ, જે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તેમાં યુવક હોટેલમાં આંટા-ફેરા મારતો જોવા મળી રહ્યો છે.