ઓડિશામાં જુલાઈથી 90 ટકા લોકોને વીજળી ફ્રી, મુખ્યમંત્રી નવીન પટનાયકની જાહેરાત
Lok Sabha Elections 2024: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કેન્દ્રપારા જિલ્લામાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા રાજ્યની 90 ટકા વસતીને ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી. 27મી મેના રોજ આયોજિત ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે, 'જુલાઈથી સમગ્ર રાજ્યમાં કોઈએ વીજ બિલ નહીં ભરવું પડે. ઓડિશા સરકાર જ તમામને ફ્રી વીજળી આપશે. આ માટે બીજુ જનતા દળના સાંસદો અને ધારાસભ્યોને આશીર્વાદ આપો તેમજ શંખના ચિહ્નને જ મત આપો.'
ચૂંટણી ઢંઢેરામાં બીજેડીની જાહેરાત
અગાઉ ચૂંટણી ઢંઢેરામાં બીજેડીએ જાહેરાત કરી હતી કે, અમે સત્તામાં આવતા જ 100 યુનિટ વીજ વપરાશ કરતા પરિવારોને ફ્રી વીજળી આપીશું, જ્યારે 100થી 150 યુનિટ વીજ વપરાશ કરતા પરિવારોને સબસિડી હેઠળ વીજળી પૂરી પાડીશું.
મહિલાઓમાં નવીન પટનાયકની લોકપ્રિયતા
બીજેડીના પક્ષમાં સ્વ-સહાય જૂથો (એસએચજી) છે, જેમાં 70 લાખ મહિલા સભ્યો છે અને છેલ્લા બે દાયકામાં પક્ષ માટે મતબેંક બની છે. બીજેડી માટે મહિલાઓનું આ સમર્થન સ્પષ્ટપણે જોઈ શકાય છે કારણ કે પક્ષની રેલીઓ અને રોડ શોમાં તેમની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. બીજેડી નેતા અને નવીન પટનાયકના સહયોગી વીકે પાંડિયને પણ મહિલાઓને પક્ષનો સૌથી મોટો ટેકો ગણાવ્યો અને કહ્યું કે, 'મુખ્યમંત્રી હંમેશા તેમની સાથે ઊભા રહ્યા છે.'
જો નવીન પટનાયક ફરી સીએમ બનશે તો રેકોર્ડ સર્જાશે
ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નવીન પટનાયક ગંજામ જિલ્લાની હિંજિલી વિધાનસભા બેઠક પરથી રાજકીય મેદાનમાં ઉતર્યા છે. સીએમ પટનાયક 2000 થી સતત પાંચ વખત આ વિધાનસભા ક્ષેત્રમાંથી જીતતા આવ્યા છે. આ વખતે જીત સાથે, ભારતના સૌથી લાંબા કાર્યકાળના મુખ્યમંત્રીનો રેકોર્ડ પટનાયકના નામે નોંધાઈ જશે. ઉલ્લેખનીય છે કે,ઓડિશામાં 1 જૂને વિધાનસભા અને લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થવાનું બાકી છે. ઓડિશાની લોકસભા અને વિધાનસભા બેઠકોના પરિણામો 4 જૂને આવશે.
આ પણ વાંચો: મોદી લહેરમાં પણ જે રાજ્યમાં જીતી ન શક્યું ભાજપ, ત્યાં 10 વર્ષમાં કઈ રીતે બદલાઈ ગયા સમીકરણ?