વાહ દોસ્ત સલામ છે! ચાલુ બસમાં ડ્રાઈવરને 'હાર્ટએટેક', પોતે જીવ ગુમાવ્યો પણ 48 યાત્રીના બચાવ્યાં પ્રાણ
ડ્રાયવરને આવ્યો હાર્ટએટેક છતાં સ્ટીયરિંગ ન છોડ્યો અને બસને રોડ કિનારે આવેલી દીવાલમાં ઠોકી બસ અટકાવી
ડ્રાઈવરને ડૉક્ટરોએ સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો, કહ્યું - હાર્ટએટેકને લીધે ડ્રાઈવર મૃત્યુ પામ્યો
image : Pixabay |
Odisha Bus accident News | ઓડિશાના એક બસ ડ્રાઈવરની (Odisha Bus Driver) સમજદારીની હાલમાં ચારેકોર ચર્ચા થઈ રહી છે. ખરેખર તો આ બસ ડ્રાઈવરને યાત્રીઓને તેમના લક્ષ્યાંક તરફ લઈ જતી વખતે ચાલુ બસમાં હાર્ટએટેક (Bus Driver Heart attack News) આવી ગયો હતો. છાતીમાં દુઃખાવાની ફરિયાદ થતાં જ બસ ડ્રાઈવરને આભાસ થઈ ગયો હતો કે તેને હાર્ટએટેક આવી રહ્યું છે એટલે તેણે તાત્કાલિક બસને એક દીવાલ સાથે અથડાવી દીધી. જેના લીધે બસ અટકી ગઈ અને 48 યાત્રીઓના જીવ બચી ગયા.
ડ્રાઈવરની ઓળખ સના પ્રધાન તરીકે થઇ
આ બસ ઓડિશાના ભુવનેશ્વર જઈ રહી હતી અને તેમાં 48 મુસાફરો સવાર હતા. જોકે ડ્રાઈવરે અંતિમ શ્વાસ લેતાં પહેલાં બસને સફળતાપૂર્વક રોકી દીધી હતી. ઘટના શુક્રવારે રાતે કંધમાલ જિલ્લાના પાબુરિયા ગામ નજીક બની હતી. ડ્રાઈવરની ઓળખ સના પ્રધાન તરીકે થઇ છે. ટિકાબાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર કલ્યાણમધી સેંધાએ કહ્યું કે ડ્રાઈવરને ખબર પડી ગઈ હતી કે તે હવે ગાડી નહીં ચલાવી શકે એટલા માટે તેમણે બસને કિનારે આવેલી દીવાલમાં ઠોકી દીધી જેનાથી બસ અટકી ગઇ અને યાત્રીઓનો જીવ બચી ગયો.
ડૉક્ટરોએ શું કહ્યું ..
પોલીસે જણાવ્યું કે આ એક ખાનગી બસ હતી. મા લક્ષ્મી નામની આ બસ દરરોજ રાતે સામાન્ય રીતે કંધમાલના સારંગઢથી ઉદયગિરી થઇને ભુવનેશ્વર જતી હતી. ઘટના બાદ ડ્રાઈવરને નજીકની હોસ્પિટલે લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ ડ્રાઇવરને મૃત જાહેર કર્યો હતો. ડ્રાઈવરનું મોત અકસ્માત નહીં પણ હાર્ટએટેકને કારણે થયું હોવાની માહિતી ડૉક્ટરોએ આપી હતી.