CJIના નિવાસસ્થાને ગણેશ પૂજામાં સામેલ થવા અંગે PM મોદીએ આપ્યો જવાબ, કહ્યું- ‘સત્તાના ભૂખ્યા લોકોને...’
PM Modi in Odisha : આજે ઓડિશાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ પૂજા વિવાદ અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. અહીં તેમણે ભુવનેશ્વરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન ગણેશ પૂજા વિવાદને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
PM મોદીએ ગણેશ પૂજા વિવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન
આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા મેં ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો, જેના કારણે કોંગ્રેસની ઈકો સિસ્ટમના લોકો પરેશાન અને ભડકેલા છે. સત્તાના ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના નિવાસસ્થાને ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમના ભાગ લેવા મુદ્દે ઘણી ચર્ચા થઈ અને વિપક્ષોએ તેમના પર જોરદાર નિશાન સાધ્યું હતું.
અંગ્રેજો ગણેશ ઉત્સવથી ચીડાતા હતા : વડાપ્રધાન મોદી
આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, ‘ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરતાં અંગ્રેજો ગણેશ ઉત્સવથી ચીડાતા હતા. આજના સમયમાં પણ જે લોકો ભારતીય સમાજના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ ગણેશ ઉત્સવના નામથી જ ચીડાય છે. સત્તાના ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે.’
‘તેમણે ભગવાન ગણેશને જેલના સળિયા પાછળ ધકેલી દીધા’
વડાપ્રધાને કહ્યું કે, ‘કોંગ્રેસ અને તેની ઈકો-સિસ્ટમના લોકો ભડકેલા છે, કારણ કે મેં ગણપતિ પૂજનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં છે અને તેમણે ત્યાં પણ પાપ કર્યું છે. તેમણે ભગવાન ગણેશને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. તે તસવીરો સામે આવ્યા બાદ આખો દેશ સ્તબ્ધ છે. આપણે આવા ઘૃણાસ્પદ તત્ત્વોને આગળ ન વધવા દેવા જોઈએ, આપણે હજુ ઘણી પ્રગતિ કરવાની છે.’