VIDEO : પુરીની રથયાત્રામાં મોટી દુર્ઘટના, રથ પરથી પડી ભગવાનની મૂર્તિ, 8ને ઈજા
Lord Jagannath Rathyatra-2024 in Puri, Oddisha : ઓડિશાના પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ફરી મોટી દુર્ઘટના બની છે. અહીં રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમવાર ઘટના બની છે, જેમાં આઠ સેવકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી પાંચને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા જોવા મળી રહ્યા છે.
સાતમી જુલાઈએ રથયાત્રામાં નાસભાગ મચી હતી
આ પહેલા સાતમી જુલાઈએ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી, જેમાં 400થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા : જિલ્લા મેજિસ્ટ્રેટ
જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ભગવાન બલભદ્રના રથ પર એક નાની ઘટના બની છે, જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા છે. તમામ સેવકોએ સ્થિતિને કાબુમાં કરી લીધી છે.
પુરીમાં પ્રથમવાર બે દિવસની રથયાત્રા
ઉલ્લેખનીય છે કે, પુરીમાં 1971થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. અહીં દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે.