પ્રદૂષણના જાળમાં ફસાયેલી દિલ્હીમાં 'ઓડ ઈવન' રિટર્ન, દિવાળી બાદ અઠવાડિયા માટે થશે લાગુ
10 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ
અગાઉ ગ્રેપ 4 લાગુ કરીને ટ્રકોના પ્રવેશ પર બૅન મૂકાયો હતો
Delhi Odd Even system | દિલ્હીમાં કેજરીવાલ સરકારે ફરી એકવાર ઓડ ઈવન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રદૂષણને રોકવા માટે કેજરીવાલ સરકારનું આ સૌથી મોટું પગલું છે. આ સાથે 10 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે લોકોએ ઓડ ઈવન પદ્ધતિના આધારે જ વાહનો લઈને ઘરેથી નીકળવાનું રહેશે. અગાઉ ગ્રેપ 4 સુધીના માપદંડો અપનાવાયા હતા જે હેઠળ તમામ પ્રકારના નિર્માણકાર્યો અને ટ્રકોના દિલ્હીમાં પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ ઓડ ઈવન પદ્ધતિ 13 થી 20 નવેમ્બર સુધી લાગુ રહેશે.
રાજ્યના પર્યાવરણ મંત્રીએ કરી જાહેરાત
દિલ્હીની આપ સરકારના પર્યાવરણ મંત્રીએ કહ્યું હતું કે અમે દિવાળીના ટાણે ધોરણ 11 સુધીના ક્લાસ બંધ રાખવાનો નિર્ણય લઈ રહ્યા છીએ. દિલ્હીમાં પ્રદૂષણ ઘાતક સ્તરે પહોંચી ગયું છે. હવે ધોરણ 10 અને 12 સિવાયના તમામ ધોરણના વિદ્યાર્થીઓને 11 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં ફક્ત ધોરણ 5 સુધીના ક્લાસના વિદ્યાર્થીઓને રજા પર રાખવામાં આવ્યા હતા.
દિલ્હીમાં હવાની ગુણવત્તા ઘાતક સ્તરે
દિલ્હીમાં હવાની ગુણવત્તા દર્શાવતો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 488ને આંબી ગયો હતો. આ અત્યંત ગંભીર સ્તર મનાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે આર.કે.પુરમમાં 466, આઈટીઓ ખાતે 402, પ્રતાપગંજમાં 471 અને ન્યૂ મોતી બાગ ખાતે એર ક્વૉલિટી ઈન્ડેક્સ 488 નોંધાયો હતો.