ભારતમાં ઝડપથી વધી રહી છે લોકોમા સ્થૂળતા, WHO એ જણાવ્યુ કારણ
Image:freepik
નવી મુંબઇ,તા. 15 માર્ચ 2024, શુક્રવાર
આજકાલ સ્થૂળતા એક મોટી સમસ્યા બની ગઈ છે. કારણ કે સ્થૂળતા અનેક રોગોનું કારણ છે. સ્થૂળતા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને હૃદયની સમસ્યાઓનું જોખમ વધારે છે. સ્થૂળતાને કારણે હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને હાઈ બીપીનું જોખમ રહેલું છે. જેના કારણે હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો રહે છે.
લોકોની આજકાલની જીવનશૈલી અને ભાગદોડવાળી લાઇફને કારણે કોઇ વ્યક્તિ ફિઝિકલી રીતે પોતાના શરીર માટે સમય આપી શકતુ નથી. તેથી લોકોમા સ્થૂળતા અને વજન ઝડપથી વધી રહ્યો છે. જેને લઇને WHO એ ચેતવણી બહાર પાડી છે.
WHOએ આ અંગે એલર્ટ કર્યું છે. ભારતમાં ઘણી રીતે સ્થૂળતા અને વધારે વજન પડકાર બની રહ્યા છે. તેનું મુખ્ય કારણ શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને યોગ્ય ખાનપાનનો અભાવ છે.
WHO સ્થૂળતા વિશે ચેતવણી આપી
WHO એ છેલ્લા 15 વર્ષમાં 15-49 વર્ષની સ્ત્રીઓ અને 15-49 વર્ષની વયના પુરુષોમાં સ્થૂળતા અને વજનનું એનાલિસિસ કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે, મહિલાઓમાં આ સમસ્યા 12.6-24 ટકા અને પુરુષોમાં 9.3-22.9 ટકા વધી છે. મહિલાઓમાં સ્થૂળતાના રેન્કિંગમાં 197 દેશોમાં ભારત 182મા ક્રમે છે. જ્યારે આપણો દેશ પુરૂષોમાં 180મા ક્રમે છે. આ તમામ આંકડા વર્ષ 2022 મુજબના છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 1975 થી વિશ્વમાં સ્થૂળતા અને વધારે વજનમાં ત્રણ ગણો વધારો થયો છે. 2040 સુધીમાં ભારતની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે.
કયા રાજ્યમાં સૌથી વધુ મેદસ્વી લોકો છે?
નીતિ આયોગના લેટેસ્ટ હેલ્થ ઇંડેક્સ અનુસાર, ભારતનું સૌથી હેલ્દી રાજ્ય કેરળ છે. જ્યારે સ્થૂળતાનું સૌથી વધુ સ્તર પંજાબમાં છે. જ્યાં લગભગ 14.2 ટકા મહિલાઓ અને 8.3 ટકા પુરુષો સ્થૂળતા અને વધુ વજનની ઝપેટમાં છે.
સ્થૂળતા વધવાનું કારણ
હેલ્થ એક્સપર્ટના મતે,આજકાલ લોકો કઠોળ, આખા અનાજ, ફળો અને શાકભાજીને બદલે વધુ પ્રોસેસ્ડ અને રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરે છે, જેના કારણે તેમનું વજન ઝડપથી વધી રહ્યું છે. આ ખોરાક પ્રાણી ઉત્પાદનો, મીઠું, શુદ્ધ તેલ, ઉમેરવામાં આવેલી ખાંડ પર આધારિત છે, જે ઝડપી ઊર્જા આપે છે પરંતુ તેના કારણે, રિફાઇન કાર્બોહાઇડ્રેટ્સ અને હાઇ ફેટ શરીરમાં જમા થાય છે, જે સ્થૂળતામાં વધારો કરે છે. નિષ્ણાતોના મતે, સ્ત્રીઓ પુરુષોની તુલનામાં ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે અને તેમની ખાવાની આદતો પ્રત્યે વધુ બેદરકાર હોય છે, જેના કારણે તેઓ વધુ સ્થૂળતા ધરાવે છે.