Get The App

ગોવા આવતાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ કારણો છે જવાબદાર

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
goa tourism


Numbers Of foreign Tourists fall In Goa: એક સમય હતો જ્યારે વિદેશી પ્રવાસીઓને સૌથી મોટી સંખ્યામાં આકર્ષતું ભારતીય સ્થળ હતું ગોવા. દુનિયાભરના પ્રવાસીઓ ગોવા આવીને નિરાંતે પ્રવાસ માણતા. પણ, છેલ્લા થોડા વર્ષોમાં ગોવા આવતાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 60% જેટલો તોતિંગ ઘટાડો થયો છે, જેને લીધે રાજ્યની આવક પર મોટો ફટકો પડ્યો છે. ગોવા ટુરિઝમની ધમધમાટ ભાગતી ગાડીમાં પંક્ચર કયા-કયા કારણોસર પડ્યું એ જાણવા માટે વિષયમાં સહેજ ઊંડા ઉતરીએ.

ગોવાના અર્થતંત્રનો મુખ્ય આધારઃ ટુરિઝમ

પશ્ચિમ ભારતના નાનકડા રાજ્ય ગોવાના અર્થતંત્રનો મુખ્ય આધાર દાયકાઓથી ટુરિઝમ જ રહ્યું છે. 1960 અને 70ના દાયકામાં હિપ્પીઓએ ગોવામાં ધામા નાંખ્યા, એ પછી વિદેશીઓને ગોવાના કુદરતી સૌંદર્ય વિશે જાણ થવા લાગી. 1980ના દાયકામાં ગોવા સરકારે પ્રવાસીઓની સવલતો વધારવાનું શરુ કર્યું અને ત્યારથી લઈને આજ સુધી રાજ્યના પ્રવાસનને વેગ મળતો જ રહ્યો છે. કોવિડ કાળના બે વર્ષો બાદ કરીએ તો લોકલ ટુરિસ્ટ તો આજે પણ ગોવામાં ઉમટતા જ રહે છે, પણ ઘટાડો થયો છે વિદેશી પ્રવાસીઓમાં અને એ ઘટાડો એટલો નોંધપાત્ર છે કે હવે રાજ્યની સરકાર પણ ચિંતિંત થઈ રહી છે. વિદેશી પ્રવાસીઓના ઘટાડા માટે જવાબદાર કારણો નીચે મુજબ છે.

1) સૌથી મોટો અવરોધ ટેક્સી માફિયાઓનો

ગોવા ટુરિઝમને સૌથી મોટું નુકસાન ટેક્સી માફિયાઓને લીધે થઈ રહ્યું છે. ગોવામાં સરકારી પરિવહન નામ માત્રનું છે. અનેક સ્થળોએ સરકારી બસો જતી જ નથી. ઓલા-ઉબર જેવી ઓનલાઇન ટેક્સી સર્વિસ ગોવામાં છે જ નહીં. એટલે ખાનગી ટેક્સી ચાલકો બેફામ ભાડા વસૂલ કરે છે. કોઈ ટેક્સી મિટરથી ચાલતી નથી. તેઓ ગ્રાહકો સાથે દાદાગીરી પણ કરે છે. થોડા કિસ્સા જોઈએ.

  • ગોવા ફરવા આવેલ એક ભારતીય પોતાની કાર લઈને વિદેશથી આવી રહેલ એક મહેમાનને લેવા ટ્રેન સ્ટેશન જાય છે. બીજા રાજ્યની નંબર પ્લેટ ધરાવતી કારમાં વિદેશી પ્રવાસીને બેસતો જોઈને ૩-૪ ટેક્સી ડ્રાઇવરો તેમને ઘેરી વળે છે અને તેમને કહે છે કે, વિદેશીએ જ્યાં જવું હશે ત્યાં તેમની ટેક્સી ભાડે કરીને જ જવું પડશે, અન્યથા તેઓ કારમાં તોડફોડ કરશે. 
  • બીજા એક કિસ્સામાં ચાલતા જતાં એક વિદેશી કપલને ગોવાનો જ એક નાગરિક પોતાની કારમાં લિફ્ટ આપે છે. એ જોઈને ટેક્સી ડ્રાઇવરો તેમને ઘેરી વળે છે અને પેલા કપલને ધરાર કારમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડે છે, જેથી તેમને ભાડું મળી શકે. 

આવા અનેક કિસ્સા વિદેશી નાગરિકો સાથે ગોવામાં બનતા રહે છે. નક્કી કરેલા ભાડા કરતાં વધારે રૂપિયા કઢાવવા પ્રવાસીઓ સાથે ઝઘડો કરવો, એમને ડરાવવું-ધમકાવવું એ તો બહુ સામાન્ય થઈ પડ્યું છે. આવા કિસ્સા સોશિયલ મીડિયામાં છાશવારે પ્રગટ થતાં રહેતાં હોવાથી વિદેશી પ્રવાસીઓ હવે ગોવાથી મોં ફેરવી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓ રાતા પાણીએ રડ્યા, 3500ના ભાડાં સામે માંડ 100નો ધંધો, 70% સ્ટોલ બંધ

2) વધુ સસ્તા અને સલામત વિકલ્પો

ગોવા છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ મોંઘુ થઈ ગયું છે. એની સરખામણીમાં થાઇલેન્ડ, વિયેટનામ, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા દેશો વિદેશી પ્રવાસીઓને વધુ સસ્તા અને સલામત લાગતાં હોવાથી પણ ગોવા આવતાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. 

3) વૈશ્વિક યુદ્ધોને પ્રતાપે પણ જોખમાયું પ્રવાસન

દાયકાઓથી ગોવા આવતાં પ્રવાસીઓમાં સૌથી મોટો ફાળો રશિયનોનો હતો. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગોવા આવતાં રશિયનોની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. બિલકુલ એ જ રીતે મધ્યપૂર્વમાં સર્જાયેલા સંઘર્ષને કારણે ઈઝરાયલથી આવતાં પ્રવાસીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. 

4) ઈ-વિઝાનો ઇશ્યુ પણ છે કારણભૂત

ભારત આવતાં વિદેશી પ્રવાસીઓને છેલ્લા થોડા સમયથી ઈ-વિઝા આપવામાં આવી રહ્યા છે, પણ એની પ્રક્રિયા ધીમી હોવાથી પણ ઘણા દેશના પ્રવાસીઓ ગોવા આવતાં બંધ થઈ ગયા છે. ખાસ કરીને બ્રિટન અને યુરોપના પ્રવાસીઓ. 

સ્થાનિક પ્રવાસીઓ વધ્યા છે, પણ…

કોવિડ કાળ પછી ભારતીયોની પ્રવાસન-ભૂખ ઊઘડી હોવાથી દેશના અન્ય રાજ્યોમાંથી ગોવા ફરવા આવતાં પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. ભારતીયોમાં ફેમિલી વેકેશન અને ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ ગોવા મનપસંદ સ્થળ છે. જોકે, દેશના પ્રવાસીઓ ગોવામાં લાંબું રોકાણ કરતા નથી, આથી ગોવા ટુરિઝમને વિદેશી પ્રવાસીઓ દ્વારા થાય છે એટલો નાણાકીય ફાયદો થતો નથી. વિદેશીઓ ગોવામાં લાંબુ રોકાતા હોવાથી તેઓ વધુ નાણાં ખર્ચતા હોય છે જેનાથી ગોવાના અર્થતંત્રને ખાસ્સો વેગ મળે છે. 

ગોવાની આવકમાં પડેલું ગાબડું પૂરવા માટે શું કરી શકાય? 

  • ગોવા સરકારે સૌપ્રથમ તો ટેક્સી માફિયાને રોકવા રહ્યા. પ્રવાસીઓ સાથે ગેરવર્તણૂક કરતાં ટેક્સી ચાલકો વિરુદ્ધ કડક પગલાં ભરવા જોઈએ.
  • ઓલા અને ઉબર જેવી ઓનલાઇન બુક કરી શકાય એવી ટેક્સી સર્વિસ શરુ કરવી જોઈએ.
  • સસ્તા પરિવહન માટે વધુ માત્રામાં સરકારી બસો ઉપલબ્ધ કરાવવી જોઈએ. 
  • ઈ-વિઝાની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ. પ્રવાસીઓને ઓન-અરાઇવલ વિઝા આપવાનું શરુ કરવું જોઈએ. 
  • વધુ માત્રામાં બજેટ હોટલની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી ઓછા બજેટ ધરાવતાં પ્રવાસીઓ પણ ગોવા આવવા પ્રેરાય.

ગોવા આવતાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ કારણો છે જવાબદાર 2 - image


Google NewsGoogle News