દેશમાં 9 વર્ષમાં ફાંસીની સજા પામેલાની સંખ્યા 45 ટકા વધી, આંકડો 560ને પાર, બે દાયકામાં સૌથી વધુ

દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજામાં વધારો

ગયા વર્ષે 120ને ફાંસીની સજા અપાઇ, ઉ. પ્રદેશમાં 33, ઝારખંડમાં 12 જ્યારે 11 સાથે ગુજરાત ત્રીજા ક્રમે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
દેશમાં 9 વર્ષમાં ફાંસીની સજા પામેલાની સંખ્યા 45 ટકા વધી, આંકડો 560ને પાર, બે દાયકામાં સૌથી વધુ 1 - image


નવી દિલ્હી : દેશભરમાં વિવિધ અપરાધો હેઠળ ફાંસીની સજા પામેલા કેદીઓની કુલ સંખ્યા ૫૬૦ને પાર પહોંચી ગઇ છે. જે છેલ્લા બે દસકામાં સૌથી વધુ છે. ફાંસીની સજા પામેલા કેદીઓની સંખ્યામાં વર્ષ ૨૦૧૫ બાદ ૪૫ ટકાનો વધારો થયો છે. એટલે કે છેલ્લા નવ વર્ષ દરમિયાન આવા કેદીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે સૌથી વધુ ફાંસીની સજા આપનારા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ પ્રથમ, ઝારખંડ બીજા ક્રમે જ્યારે ગુજરાત ત્રીજા ક્રમે છે. જ્યારે ગયા વર્ષે દેશભરમાં ટ્રાયલ કોર્ટો દ્વારા કુલ ૧૨૦ લોકોને ફાંસીની સજા ફટકારાઇ છે.

દેશભરમાં ફાંસીની સજા અપાયેલા કેદીઓની કુલ સંખ્યા ૫૬૧ છે, જ્યારે ગયા વર્ષે જે ૧૨૦ અપરાધીઓને ફાંસીની સજા આપવામાં આવી તેમાંઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૩૩, ઝારખંડમાં ૧૨, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશમાં ૧૧-૧૧ અને પશ્ચિમ બંગાળમાં ૧૦નો સમાવેશ થાય છે. આ તમામ અપરાધીઓમાંથી ૪૮૮ કેદીઓએ ટ્રાયલ કોર્ટના ફાંસીની સજાના ચુકાદાને હાઇકોર્ટોમાં પડકાર્યો છે જેનો કોઇ ચુકાદો નથી આવ્યો. દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટી દ્વારા ફાંસીની સજા પરના વાર્ષીક રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આ આંકડા આપવામાં આવ્યા હતા. 

ગયા વર્ષે દુષ્કર્મ-હત્યા સહિતના શારીરિક શોષણના કેસોમાં ૬૪ અપરાધીઓને ફાંસીની સજા ફટકારાઇ હતી. જે આંકડો ૨૦૧૬માં ૨૭ હતો, જ્યારે ૭૫ ટકા કેસોમાં ૧૨ વર્ષની નીચેની વયની કિશોરીઓ પર રેપ અને હત્યા બદલ ફાંસીની સજા અપાઇ છે. જોકે હાઇકોર્ટો દ્વારા મોટા ભાગના કેસોનો નિકાલ કરવાનો બાકી છે. ફાંસીની સજા પામેલા કુલ કેદીઓની સંખ્યા પર વર્ષ સાથે નજર કરીએ તો વર્ષ ૨૦૧૬માં આ સંખ્યા ૪૦૦ હતી, જે બાદ ૨૦૧૭માં ૩૬૬, ૨૦૧૮માં ૪૨૬, ૨૦૧૯માં ૩૭૮, ૨૦૨૦માં ૪૦૪, ૨૦૨૧માં ૪૯૦, ૨૦૨૨માં ૫૪૧ અને ૨૦૨૩માં સંખ્યા વધીને ૫૬૧ પર પહોંચી ગઇ છે. આ એવા કેદીઓની સંખ્યા છે કે જેઓ ફાંસીની રાહ જોઇ રહ્યા હતા. ફાંસીની સજા પામેલા કેદીઓની સંખ્યામાં વધઘટ હાઇકોર્ટ દ્વારા સજામાં ફેરફારોેને કારણે થતી રહે છે. જ્યારે ટ્રાયલ કોર્ટો દ્વારા ફાંસીની સજા ફટકારાઇ હોય તેવા આંકડા પર નજર કરીએ તો ૨૦૧૬માં ૧૫૩, ૨૦૧૭માં ૧૧૦, ૨૦૧૮માં ૧૬૩, ૨૦૧૯માં ૧૦૪, ૨૦૨૦માં ૭૮, ૨૦૨૧માં ૧૪૬, ૨૦૨૨માં ૧૬૭, ૨૦૨૩માં  સંખ્યા૧૨૦ હતી. એટલે કે ૨૦૧૬ બાદ ફાંસીની સજા સૌથી વધુ ૨૦૨૨માં આપવામાં આવી હતી. ગયા વર્ષે જે ૧૨૦ અપરાધીને ફાંસીની સજા અપાઇ તેમાં ૫૩ ટકા એવા કેસો છે કે જેમાં બળાત્કાર અને હત્યાનો સમાવેશ થાય છે. ટ્રાયલ કોર્ટોએ ૮૬ ટકા કેસોમાં અપરાધીઓની કોઇ જાણકારીની ગેરહાજરીમાં ફાંસીની સજા ફટકારી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આવા કેસોમાં અપરાધીઓને છોડી મુકવા કે રિમાન્ડનો નિર્ણય લેવો તે દર્શાવે છે કે પોલીસ તપાસની ગુણવત્તા ચિંતાજનક છે. ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે કોઇ જ ફાંસીની સજાને માન્ય નથી રાખી. જ્યારે આ સમયગાળા દરમિયાન માત્ર એક હાઇકોર્ટ (કર્ણાટક) દ્વારા ફાંસીની સજાને માન્ય રખાઇ છે. તેથી વર્ષ ૨૦૦૦ બાદ સર્વોચ્ચ અદાલતો દ્વારા માન્ય રખાયેલી ફાંસીની સજાનો દર ૨૦૨૩માં સૌથી નીચો છે.


Google NewsGoogle News