4 મહિના માટે નવો જિલ્લો બન્યો, 4 તાલુકા અને 67 ગામ સામેલ કરી નામ રાખ્યું 'મહાકુંભ મેળો'
New District Mahakumbh Mela Formed In UP: પ્રયાગરાજમાં મહાકુંભ-2025ની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાઓને ધ્યાનમાં રાખવા અને વહીવટી કામગીરી વધુ સારી રીતે ચલાવવા માટે યોગી સરકારે રવિવારે અસ્થાયી જિલ્લાનું ગઠન કર્યું હતું. આ જિલ્લાને 'મહાકુંભ મેળો' નામ આપવામાં આવ્યું છે. 4 તાલુકા વિસ્તારના 67 ગામોને જોડીને આ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. આ અસ્થાયી જિલ્લામાં વહીવટ એવી રીતે જ કામ કરશે જેમ સામાન્ય જિલ્લાઓમાં કરે છે. મજબૂત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવા જિલ્લામાં અસ્થાયી પોલીસ સ્ટેશનો અને ચોકીઓ બનાવવામાં આવશે.
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાને રવિવારે નવો અસ્થાયી જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. આ જિલ્લાને 4 મહિના માટે જ બનાવવામાં આવ્યો છે, એટલે કે મહાકુંભની તૈયારીઓથી માંડીને મેળો સુરક્ષિત પૂર્ણ થાય ત્યાં સુધી જ આ જિલ્લો રહેશે, ત્યાર બાદ તેનું વર્ચસ્વ આપોઆપ જ સમાપ્ત થઈ જશે. પ્રયાગરાજ ડીએમ રવિન્દ્ર કુમાર માંડડે આ આ અસ્થાયી જિલ્લાનું નોટિફિકેશન જારી કરતા જણાવ્યું કે, તે સંપૂર્ણ જિલ્લાની જેમ જ કાર્ય કરશે. તેમાં ડીએમ, એસએસપી સહિત તમામ વિભાગોની પોસ્ટ બનાવવામાં આવી છે.
ડીએમ દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશનમાં કયા-કયા નિર્દેશો છે?
પ્રયાગરાજના ડીએમએ નોટિફિકેશનમાં નિર્દેશ આપ્યા છે કે, મહાકુંભ નગરના જિલ્લા કલેક્ટરનો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને અન્ય સંબંધિત કલમો હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તથા આ સંહિતા હેઠળ અમલમાં રહેલા અન્ય કોઈપણ કાયદા હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટના તમામ અધિકારો પ્રાપ્ત છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ રેવન્યૂ કોડ 2006, ઉત્તર પ્રદેશ રેવન્યૂ કોડ એમેન્ડમેન્ટ એક્ટ 2016ની સંબંધિત કલમો હેઠળ કલેક્ટરના તમામ અધિકારોનો ઉપયોગ કરવાની અને કલેક્ટરને તમામ કાર્યો કરવાના અધિકાર આપી દેવામાં આવ્યા છે.
4 તાલુકાના 67 ગામ નવા જિલ્લામાં સામેલ
મહાકુંભ મેળા જિલ્લામાં પ્રયાગરાજના તહસીલ સદર, સોરાંવ, ફુલપૂર અને કરછનાને સામેલ કરવામાં આવ્યા છે. આ નવા જિલ્લામાં સમગ્ર પરેડ વિસ્તાર અને આ 4 તાલુકાઓના 67 ગામોને જોડવામાં આવ્યા છે. નોટિફિકેશન પ્રમાણે તહસીલ સદરના 25 ગામો, સોરાંવના ત્રણ ગામો, ફુલપૂરના 20 ગામો અને કરછના 19 ગામ સામેલ કરવામાં આવ્યા છે.
કેવી રીતે બને છે અસ્થાયી જિલ્લો
જિલ્લા બનાવવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે હોય છે. નવો જિલ્લો બનાવવા માટે સરકારે સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન જારી કરવું પડે છે. તેના માટે મુખ્યમંત્રી એક્ઝિક્યુટિવ ઓર્ડર આપી શકે છે અથવા તો વિધાનસભામાં કાયદો પસાર કરીને નવો જિલ્લો બનાવી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર જિલ્લાનું નામ બદલી શકે છે અને કોઈપણ જિલ્લાનો દરજ્જો નાબૂદ પણ કરી શકે છે. જો કે, જે મહાકુંભ મેળો જિલ્લો બનાવવામાં આવ્યો છે તે કામચલાઉ છે. તે માત્ર પ્રયાગરાજની સીમા હેઠળ આવતા વિસ્તારોને જોડીને જ બનાવવામાં આવ્યો છે. આ માટે તે જ જિલ્લાના ડીએમ દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, મહાકુંભ 2025નું આયોજન પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી થઈ રહ્યું છે. આ મહાકુંભ દરમિયાન કુલ 6 શાહી સ્નાન થશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મહાકુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળું સામેલ થશે.