પેપર લીક બાદ કેન્દ્રને હવે ડહાપણ સૂઝ્યું: NTA સુધારવા માટે વિદ્યાર્થી-વાલીઓ સૂચનો આપે
તાજેતરમાં NEET પેપર લીક ગેરરીતિઓ અને NET ની પરીક્ષાના મામલે સર્જાયેલા વિવાદોને પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કમિટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)માં સુધારા અને/અથવા એની પુનઃરચના કરવા માટે સૂચનો માંગવામાં આવ્યા છે. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિ વિશેષ વેબસાઈટ https://innovateindia.mygov.in/examination-reforms-nta/ દ્વારા સૂચનો અને પ્રતિસાદ સ્વીકારશે. જનતા 7 જુલાઈ સુધી ફીડબેક આપી શકે છે.
સંસદમાં ઉઠી માંગ
NEET અને NET ને મુદ્દે આજે બંને સંસદમાં હંગામો થયો હતો. કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષે સત્તાધારી પક્ષ સામે NEET અને NET વિવાદો પર ચર્ચા કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે આ મુદ્દો છેડ્યો હતો, પરંતુ ગઈકાલ સુધી આ મુદ્દે ચર્ચા કરવાની તૈયારી બતાવનાર સરકારે આજે એ બાબતે અનિચ્છા જતાવી હતી. જેને પરિણામે વિપક્ષે વધુ જોરથી હંગામો મચાવતા સંસદ સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.
NTA ઓફિસમાં ધમાલ
ગુરુવારે સાંજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા)ના 100 જેટલાં કાર્યકરોનું ટોળું NTAની દિલ્હી ઓફિસમાં ઘૂસી ગયું હતું અને થોડા સમય માટે ત્યાં કબજો કરી લીધો. પ્રદર્શનકારીઓએ "ભ્રષ્ટ NTA નહીં ચાલે" અને "NTA બંધ કરો, બંધ કરો" એવી બૂમો પાડીને પોસ્ટરો સાથે ધમાલ મચાવી હતી. વિરોધ જોકે અલ્પજીવી હતો કેમ કે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવતા ટોળું વિખેરાઇ ગયું હતું.
આ ઘટના બની એના થોડા કલાકો અગાઉ પ્રમુખ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત સત્રને સંબોધિત કર્યું ત્યારે કોંગ્રેસની યુવા પાંખ 'ભારતીય યુવા કોંગ્રેસે' સંસદની નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રમુખ દ્વારા કહેવાયું હતું કે NEET પરીક્ષા બાબતે સરકાર નિષ્પક્ષ તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
NEET પરીક્ષા પર વિવાદ
મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 5 મેની ક્વોલિફાઇંગ પરીક્ષા લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી, પણ પેપર લીક થયાનો વિવાદ ચગ્યા બાદ સરકારે આ પરિણામોને રદ કર્યા છે.
પરફેક્ટ સ્કોર્સની અસામાન્ય રીતે ઊંચી સંખ્યા શંકાનું કારણ બની હતી. એક કોચિંગ સેન્ટરના છ સહિત વિક્રમી 67 વિદ્યાર્થીઓએ ઉબેર-સ્પર્ધાત્મક પરીક્ષામાં મહત્તમ 720 ગુણ મેળવ્યા છે. ઉપરાંત 1,563 વિદ્યાર્થીઓને 'ગ્રેસ માર્ક્સ' આપવા આવ્યાં છે, જે પરીક્ષા પ્રોટોકોલની વિરુદ્ધ છે.
બિહાર, મહારાષ્ટ્ર અને દિલ્હીમાંથી પોલીસ દળો દ્વારા ધરપકડના ધમધમાટ બાદ સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલો દેશવ્યાપી રેકેટ હોવાની આશંકા જતાવાઈ રહી છે.