મહારાષ્ટ્રમાં નવા જૂની થવાના એંધાણ! શરદ પવાર અને સંજય રાઉતે RSSના કર્યા ભરપૂર વખાણ
Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં શું થઈ રહ્યું છે, શું મહાવિકાસ અઘાડીમાં કંઈક નવા જૂની થવાની છે? પહેલા શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા હતા, તો હવે NCPSPના પ્રમુખ શરદ પવાર અને શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના ભરપૂર વખાણ કર્યા છે. આ તમામ બાબતો સામે આવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ફરી નવી ચર્ચાઓ અને અટકળો શરુ થઈ ગઈ છે.
હારના મંથન પર યોજાયેલી બેઠકમાં RSSના વખાણ
વાસ્તવમાં NCPSPના પ્રમુખ શરદ પવાર જૂથની આજે યોજાયેલી બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં હાર સહિત અનેક મુદ્દાઓ પર મંથન અને ચર્ચાઓ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શરદ પવારના નેતૃત્વ હેઠળની NCPSPની શરમજનક હાર થઈ હતી, પરંતુ હવે શરદ પવારે આરએસએસની ભરપૂર પ્રશંસા કરી છે. આ ઉપરાંત શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે પણ આરએસએસના કાર્યકર્તાઓની મહેનતથી ખુશ થયા છે.
શરદ પવારે RSSના ભરપૂર વખાણ કર્યા
બેઠકમાં ઉપસ્થિત રહેલા શરદ પવારે મહાવિકાસ અઘાડીની હાર માટે RSSને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, ‘રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘે ચૂંટણીમાં જોરદાર કામ કર્યું હતું. ભાજપ અને સંઘના મેન્જમેન્ટના કારણે જ તેમની જીત થઈ છે. સંગઠનનું પ્લાનિંગ સારું હતું. તેઓએ ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો. આ જ કારણે મહાયુતિને જીત મળી અને મહાવિકાસ અઘાડીની હાર થઈ.
ઉદ્ધવની શિવસેના પણ RSSના કામથી ખુશ
શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે પણ કહ્યું કે, આરએસએસના કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રમાં બૂથ લેવલ પર સારી મહેનત કરતાં ભાજપની જીત થઈ છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ નવા વર્ષના અવસરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ભરપૂર વખાણ કર્યા હતા અને હવે શરદ પવારે સંઘના વખાણ કર્યા છે.
આદિત્યએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી
ઉદ્ધવ જૂથના નેતા આદિત્ય ઠાકરે આજે મુખ્યમંત્રી ફડણવીસને મળ્યા હતા. તેમણે કહ્યું કે, મેં વૉટર ફૉર ઑલ પૉલિસી અને નિવૃત્ત પોલીસ અધિકારીઓના મુદ્દા પર મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. જ્યારે તેમને મુખપત્ર સામનામાં ફડણવીસના વખાણ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કહ્યું કે, અમે સારા કામમાં તેમનો સાથ આપીશું.
આમ ઉદ્ધવએ ફડણવીસના વખાણ કર્યા અને પછી શરદ પવાર અને સંજય રાઉતે ચૂંટણીમાં RSSના કાર્યકર્તાઓની કામગીરીથી ખુશ થઈ પ્રશંસા કરી, તેથી હવે ચર્ચાઓ ચાલી રહી છે કે, મહાવિકાસ આઘાડીમાં શું ચાલી રહ્યું છે.