NRIને ઘરમાં ઘૂસીને ગોળીઓ ધરબી દેતા ચકચાર, હાથ જોડીને માફી માગતા રહ્યા બાળકો
NRI was shot in the house : પંજાબના અમૃતસરમાં કેટલાક બદમાશોએ એક NRIના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યાની ઘટના સામે આવી છે. હાલમાં NRI હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે ઘરમાં હાજર બાળકો આરોપીને હાથ જોડીને રોકવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ બદમાશો કોઈ વાત માનવા તૈયાર નહોતા. ગોળીથી ઘાયલ થયેલા NRIને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. માહિતી પ્રમાણે આરોપીઓ ખંડણી માટે ઘરમાં ઘૂસ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ આ ઘટના અમૃતસરના ડબુર્જીમાં બની હતી. અહીં સવારે આશરે 7 વાગે કેટલાક અજાણ્યા હુમલાખોરો NRI સુખચૈન સિંહના ઘરમાં ઘૂસ્યા હતા. હુમલાખોરો પહેલા તો પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને દલીલો કરી રહ્યા હતા, પછી હાથમાં બંદૂક લઈને ભાગ્યા અને NRI સુખચૈન સિંહને ગોળી મારી દીધી. ગોળી વાગતાની સાથે જ બૂમા-બૂમ મચી ગઈ હતી. ઘરની મહિલાઓ અને બાળકો હાથ જોડીને આરોપીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને ત્રણ ગોળીબાર કર્યા હતા અને ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.
ગોળી વાગતા NRI સુખચૈન સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘરમાં ઘૂસીને ગોળીબારની કરવાની ઘટના પાછળ ખંડણીની વાત હોવાનું સામે આવી રહ્યું છે, પોલીસનું કહેવું છે કે, આ સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે.
સુખચૈન સિંહના પરિવારજનો તેને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા અને દાખલ કર્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘરમાં ઘૂસીને ગોળીબારની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ઘટના અંગે પોલીસે જણાવ્યું કારણ
આ ઘટનાના પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, "સુખચૈન સિંહ અમેરિકામાં રહેતો હતો. થોડા સમય પહેલા પોતાના ઘરે પરત આવ્યો હતો. હાલમાં તેઓ અહીં એક હોટેલ બનાવી રહ્યા છે. આ ઉપરાંત આશરે 1.5 કરોડ રૂપિયાની કાર પણ ખરીદી હતી. કારની આરસી કેવી રીતે બની તે જાણવા માટે તેઓ અંદર ઘૂસ્યા અને ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ હતું." હાલમાં પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. એસપી હરપાલ સિંહે કહ્યું કે, બે લોકો ગેટ પર પહોંચ્યા હતા. તેઓએ ઘરમાં ઘુસ્યા અને ગોળીબાર કર્યો હતો. આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે.
NRIના ઘરે પહોંચી પોલીસ કમિશનરે કહ્યું...
પોલીસ કમિશનર રણજીત સિંહ ધિલ્લોન NRIના ઘરે પહોંચ્યા હતા અને પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે, "સુખચૈન સિંહ અમેરિકામાં રહે છે. અહીં બે હુમલાખોરો તેમના ઘરમાં આવીને પિસ્તોલ કાન પાસે મૂકી અને તેમને ગોળી મારી દીધી. હાલમાં FIR નોંધવામાં આવી છે. પીડિત શખ્સે જણાવ્યું કે, સુખચેનની પહેલી પત્નીએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં સુખચૈનની માતા, બહેન અને સુખચૈન અને તેના ભાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટમાં ચલણ રજૂ કરવામાં આવ્યું હતું. સુખચૈન અને તેનો ભાઈ અને તેની બહેન વિદેશમાં હતા. એવી શંકા છે કે, પહેલી પત્નીના પરિવારજનોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. જો કે, હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ ઘટનાની જવાબદારી કોની: શિરોમણી અકાલી દળ
શિરોમણી અકાલી દળના મુખ્ય પ્રવક્તા એડવોકેટ અર્શદીપ સિંહે કહ્યું કે, પંજાબના મુખ્ય પ્રધાને બુલેટપ્રૂફ કાચની પાછળ ઊભા રહીને ભાષણ આપવું પડે છે. આજે પંજાબની હાલત ખૂબ જ ચિંતાજનક છે. અમૃતસરમાં સવારે જે બન્યું, એક NRI પર તેના ઘરમાં ઘૂસીને ખૂની હુમલો કરવામાં આવ્યો તે દર્શાવે છે કે, પંજાબમાં ગેંગસ્ટર કેવી રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેની માતા ચીસો પાડતી રહી, એક નાનું બાળક પિતાને છોડી દેવા માટે હાથ જોડીને વિનંતી કરતું રહ્યું, પરંતુ હુમલાખોરોએ તેને ગંભીર રીતે ઘાયલ કર્યો. હાલ હોસ્પિટલમાં તે જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. આની જવાબદારી કોની?
મંત્રી કુલદીપ એસ ધાલીવાલે શું કહ્યું?
આ મામલે મંત્રી કુલદીપ ધાલીવાલે કહ્યું કે, ‘અમે આ ઘટના પાછળ તપાસ કરી રહ્યા છીએ કે, મામલો પ્રર્સનલ હતો કે બીજુ કાઈ હતું. એનઆરઆઈ સાથે સંબંધિત મિલકત અને અન્ય પ્રર્સનલ વિવાદ આજકાલ ખૂબ સામાન્ય છે. ગઈકાલે પણ મેં લુધિયાણામાં સીપીને પૂછીને આવી જ સમસ્યાનું સમાધાન કર્યું હતું. NRIને મારી અપીલ છે કે, આવી કોઈ પણ અંગત બાબતોમાં સાથે બેસીને પરસ્પર સંમતિથી તેનો ઉકેલ લાવવો જોઈએ. અમે રાજ્યમાં કોઈને કાયદો અને વ્યવસ્થા બગાડવા નહીં દઈએ. અમૃતસર પોલીસ કમિશનરને પણ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું છે.’