હવે ગંભીરની જગ્યાએ કોણ, ભાજપે દિલ્હીની બે બેઠક પર કેમ ઉમેદવાર જાહેર નથી કર્યા?
ભાજપે દિલ્હીની સાત બેઠકોમાંથી પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ની તારીખ ગમે તે સમયે જાહેર થઈ શકે છે અને આ કારણે દરેક રાજકીય પાર્ટી પૂરજોશમાં તૈયારી કરી છે. ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી પણ બહાર પાડી દીધી છે જેમાં ઘણા ઉમેદવારોને રિપીટ કર્યા છે તો કેટલાક નવા નામો પણ સામે આવ્યા છે. ભાજપે દિલ્હીની સાતમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ બે બેઠકો પર તેના પત્તાં હજુ સુધી ખોલ્યા નથી. શું ભાજપ આ બેઠકો પર કોંગ્રેસની યાદીની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા અનેક સવાલો પણ હાલ ચર્ચાઈ રહ્યા છે.
ભાજપની મૂંઝવણનું એક કારણ AAP પાર્ટીનું દલિત કાર્ડ હોય શકે
દિલ્હીની જે બે બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે તેમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીરની પૂર્વ દિલ્હીની બેઠક અને ગાયક હંસરાજ હંસની ઉત્તર પશ્ચિમ દિલ્હીની બેઠકનો સમાવેશ થાય છે. ગૌતમ ગંભીર ચૂંટણી ન લડવાની ઈચ્છા પહેલા જ વ્યક્ત કરી ચૂક્યો છે અને હંસરાજ હંસની ટિકિટ કેન્સલ થવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે પૂર્વ દિલ્હી બેઠક પરથી ટિકિટની રેસમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને હર્ષ મલ્હોત્રાના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. હર્ષ મલ્હોત્રા દિલ્હી ભાજપના મહાસચિવ પણ છે. આ બેઠક પર ભાજપની મૂંઝવણનું એક કારણ આમ આદમી પાર્ટીનું દલિત કાર્ડ પણ હોય શકે છે, કેમકે આ બેઠક પર તેમણે ધારાસભ્ય કુલદીપ કુમારને ઉમેદવાર બનાવ્યા છે જે દલિત સમુદાયમાંથી આવે છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ દિલ્હી લોકસભા મતવિસ્તારમાં વાલ્મિકી સમુદાયની કુલ વસ્તી લગભગ ચાર લાખની આસપાસ છે.
ભાજપ ઉત્તર પશ્ચિમ બેઠક પર નવો ચહેરો ઉતારી શકે
ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક પણ અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે અને આ બેઠક પરથી હંસરાજ હંસ સાંસદ છે. એક ક્રિકેટર અને એક ગાયક એમ બે સેલિબ્રિટિની બેઠકો પર ઉમેદવારને લઈને સસ્પેન્સ યથાવત છે. બંને બેઠકો દલિત પર ફેક્ટર છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર પૂર્વ સાંસદો ઉદિત રાજ અને કૃષ્ણા તીરથ ટિકિટના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઉદિત રાજ 2014માં ભાજપની ટિકિટ પર સંસદમાં પહોંચ્યા હતા, જો કે ભાજપે 2019ની ચૂંટણીમાં તેમનું પત્તું કાપીને હંસરાજ હંસને ટિકિટ આપતા તે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. અગાઉ આ બેઠક પરથી કોંગ્રેસના કૃષ્ણા તીરથ 2009માં સંસદમાં પહોંચ્યા હતા. હવે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે આ વખતે ભાજપ હંસની જગ્યાએ નવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે છે. હવે આ નવો ચહેરો કોણ હશે અને કોને ટિકિટ મળશે તે અંગે સસ્પેન્સ છે.